ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી : ૪૦ ડિગ્રી સુધી પારો જશે

અમદાવાદ, રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો એહસાસ થઈ રહ્યો છે. સોમવારે ધૂળેટીના તહેવારમાં પણ લોકોને આકરી ગરમીનો સામોનો કરવો પડ્યો હતો. મોટાભાગના શહેરોનું તાપમાન ૩૮ ડિગ્રી પાર નોંધાયું હતુ. તો રાજકોટમાં સૌથી વધુ ૩૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો ૪૩ને પાર જશે તેવી ચેતવણી છે. તો બીજી તરફ હજી પણ બેવડી ૠતુમાં લોકો બીમાર પડી રહ્યા છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ ૩૮.૬ ડિગ્રી,ગાંધીનગર ૩૮.૫ ડિગ્રી,ડીસા ૩૮.૪ ડિગ્રી,વડોદરા ૩૮.૬ ડિગ્રી,ભાવનગર ૩૭.૪ ડિગ્રી,રાજકોટ ૩૯.૯ ડિગ્રી,સુરેન્દ્રનગર ૩૯.૫ ડિગ્રી,મહુવા ૩૮.૦ ડિગ્રી,ભુજ ૩૯.૮ ડિગ્રી,કંડલા ૩૭.૬ ડિગ્રી,કેશોદ ૩૮.૫ ડિગ્રી નોંધાયેલ છે

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન ૩૯- ૪૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ર્ચિમથી પશ્ર્ચિમ તરફ રહેશે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન ૩૮ ડિગ્રી ઉપર નોંધાયું છે.

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે ક્સ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના ૨૨૫ દિવસ પછી જે વિસ્તારમાં ક્સ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ ક્સ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ ક્સનો છેલ્લો રાઉન્ડ છે.