રામપુર લોક્સભા સીટ પરથી લાલુ પ્રસાદ યાદવના જમાઈને સપા ઉમેદવાર બનાવી શકે છે

લખનૌ, બધાની નજર ઉત્તર પ્રદેશની રામપુર લોક્સભા સીટ પર છે, જે આઝમ ખાન પરિવારના જેલમાં ગયા બાદથી સમાચારોમાં છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર અનુસાર, સમાજવાદી પાર્ટી આ બેઠક પરથી લાલુ પ્રસાદ યાદવના જમાઈ અને અખિલેશના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને પોતાના ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ યાદવ પણ બુધવારે રામપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે રેસમાં વધુ એક નામ ચાલી રહ્યું છે તે છે મુરાદાબાદ સીટના વર્તમાન સાંસદ ડો.એસ.ટી.હસનનું. પરંતુ સપાએ મુરાદાબાદ બેઠક પરથી તેમના નામની જાહેરાત કરી છે, તેથી તેજ પ્રતાપ ચૂંટણી લડશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સીતાપુર જેલમાં બંધ આઝમ ખાનને મળવા પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને વચ્ચે રામપુર લોક્સભા સીટના ઉમેદવારને લઈને ચર્ચા થઈ હતી. જે બાદ યાદવ પરિવારના એક સભ્યને મેદાનમાં ઉતારવાના નિર્ણયની પુષ્ટિ થઈ હતી. તમને જણાવી દઈએ કે આ સીટ પર આઝમ ખાના અને તેમના પરિવારનો દબદબો છે. જેલમાં હોવા છતાં આઝમ ખાને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી અહીંથી જીતી હતી. પરંતુ નફરતભર્યા ભાષણના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ સાંસદ જ્યારે ચાલ્યા ગયા ત્યારે ભાજપના ઘનશ્યામ લોધી પેટાચૂંટણીમાં જીત્યા. હવે પોતાનો ગઢ બચાવવા માટે સમાજવાદી પાર્ટી તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી શકે છે.

તેજ પ્રતાપ યાદવ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના પૌત્ર છે અને તેમના લગ્ન લાલુની પુત્રી રાજ લક્ષ્મી સાથે થયા છે. તેજ પ્રતાપ યાદવ પણ મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે. જો તેજ પ્રતાપને ટિકિટ મળશે તો તેઓ યાદવ પરિવારમાંથી પાંચમા ઉમેદવાર હશે. આ વખતે પરિવાર તરફથી ડિમ્પલ યાદવ, અક્ષય યાદવ, શિવપાલ સિંહ યાદવ અને ધર્મેન્દ્ર યાદવને ટિકિટ મળી છે.