
મુંબઇ, મહારાષ્ટ્રના થાણેમાં પડોશીએ ૯ વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને ઘર બનાવવા માટે પૈસાની જરૂર હતી. આ કારણોસર તેણે તેની જ બાજુમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કર્યું હતું. આ પછી બાળકના પિતા પાસેથી ૨૩ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે બાળકની હત્યા કરીને લાશને ઘરની પાછળ દાટી દીધી હતી. પોલીસે લાશ કબજે કરી આરોપી સલમાનની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે ૯ વર્ષનો ઇબાદ બદલાપુરના ગોરેગાંવમાં સાંજની નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેનું અપહરણ કરવામાં આવ્યું. જ્યારે ઇબાદ ઘરે ન પહોંચ્યો તો પરિવારે તેની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન બાળકના પિતા મુદ્દાસિરને અપહરણર્ક્તાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે જો તારો પુત્ર જીવતો હોય તો તેના બદલામાં ૨૩ લાખ રૂપિયા આપ. આ પછી ફોન કરનારનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
બાળકના પિતાએ પોલીસને જાણ કરી હતી. ત્યાં સુધીમાં ઈબાદના ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. પોલીસ અને ગ્રામજનો બંને સાથે મળીને ઈબાદને શોધી રહ્યા હતા. ત્યારબાદ અપહરણર્ક્તાએ તેના મોબાઈલ ફોનમાં બીજું સિમકાર્ડ નાખ્યું અને કોલ કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે પોલીસને આરોપીનું લોકેશન જાણવા મળ્યું.
પોલીસે આ જ ગામમાં રહેતા સલમાન મૌલવી નામના યુવકના ઘરની તલાશી લીધી હતી. આ દરમિયાન બાળકની લાશ ઘરની પાછળ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સલમાન, સફુયાન સહિત પાંચ લોકોની અટકાયત કરી છે. તમામની પૂછપરછ ચાલી રહી છે. કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને સલમાનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે