’ભારત માતા કી જય’નો નારો સૌથી પહેલા એક મુસ્લિમે આપ્યો, શું સંઘ પરિવાર તેનો ત્યાગ કરશે: કેરળના મુખ્યમંત્રી

મલ્લપુરમ, કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે ’ભારત માતા કી જય’ અને ’જય હિન્દ’ના નારા સૌથી પહેલા બે મુસ્લિમોએ લગાવ્યા હતા અને એવામાં શું સંઘ પરિવાર આ નારાનો ત્યાગ કરશે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના સીનિયર નેતા વિજયને ઉત્તર કેરળના મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લા મલ્લપુરમમાં કહ્યું કે મુસ્લિમ શાસકો, સાંસ્કૃતિક નાયકો અને અધિકારીઓએ દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વિજયને ઉદાહરણ આપતા કહ્યું કે અજીમુલ્લા ખાન નામના એક મુસ્લિમ વ્યક્તિએ ’ભારત માતા કી જય’નો નારો આપ્યો હતો. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું, અહીં આવેલા સંઘ પરિવારના કેટલાક નેતાઓએ પોતાની સામે બેઠેલા લોકોને ’ભારત માતા કી જય’નો નારો લગાવવા કહ્યું. આ નારો કોને આપ્યો હતો? મને નથી ખબર કે સંઘ પરિવારને આ જાણકારી છે કે તે વ્યક્તિનું નામ અજીમુલ્લા ખાન હતું. કેરળના મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે આ નથી ખબર કે સંઘ પરિવારના લોકો આ નારાનો ઉપયોગ બંધ કરશે કે નહીં કરે કારણ કે આ નારો એક મુસ્લિમે લગાવ્યો હતો.

વિજયન વિવાદાસ્પદ નાગરિક્તા (સંશોધન) અધિનિયમ વિરૂદ્ધ રાજ્યમાં માકપા દ્વારા આયોજિત સતત ચોથી રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે, આબિદ હસન નામના એક જૂના રાજનાયિકે સૌથી પહેલા ’જય હિન્દ’નો નારો લગાવ્યો હતો.

વિજયન અનુસાર, મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહ દ્વારા મૂળ સંસ્કૃત પાઠના ૫૦થી વધુ ઉપનિષદોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું જેનાથી ભારતીય ગ્રંથોને દુનિયાભરમાં પહોંચાડવામાં મદદ મળી હતી. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે, અન્ય લોકોની સાથે સાથે મુસ્લિમોએ પણ દેશની સ્વતંત્રતા આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કેરળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારને છોડીને દુનિયાના કોઇ પણ દેશે ક્યારેય પણ શરણાર્થીઓને ધર્મના આધાર પર વિભાજીત કર્યા નથી.