દાહોદ,દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. અહીંયા સૂર્યની પહેલી કિરણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે. જેમાં હોળી તો આદિવાસી સમાજ માટે પ્રિય બનીને આવનાર તહેવાર છે. આ જીલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં મજૂરીએ અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલા તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે. આ જીલ્લામાં હોળી ધુળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો અને ચુલના મેળાઓ યોજતા હોય છે. ત્યારે તેવોજ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે. અહીંયા ખંગેલા ગામે ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. આજે 10 લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાલુઓ સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા. જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગળદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે, તે બાદ બકરાની બલી ચડાવાવમાં આવે છે અને 25 ફુટ ઉંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 20 ફુટ લાંબા લાકડાને નીચેથી મેડા પરિવારના લોકો દ્વારા ગોળ બે રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા બળદેવના મેળામાં શ્રદ્ધાલુઓને સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.