ચૂંટણી પંચ પર સ્પષ્ટતા

સર્વોચ્ચ ન્યાયાલયે બિલકુલ યોગ્ય જ કહ્યું કે તે આ સમયે ચૂંટણી કમિશ્ર્નરોની નિયુક્તિ સંબંધી કાયદા પર રોક ન લગાવી શકે, કારણ કે તેનાથી અરાજક્તા પેદા થઈ જશે. બે ચૂંટણી કમિશનરો ની નિયુક્તિના બીજા જ દિવસે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે અને હવે નિયુક્તિ સંબંધી કોઈપણ વિવાદ ચૂંટણી પ્રક્રિયા જ નહીં, આખી રાજનીતિને જટિલ બનાવી શકે છે. તેથી અદાલતે કોઈ ઉતાવળ ન કરતાં કેસની આગામી સુનાવણી ૫ ઓગસ્ટે કરવાનો ફેંસલો કર્યો છે, ત્યાં સુધી નવી સરકાર પોતાનું કામ શરૂ કરી ચૂકી હશે. અસલમાં વિવાદ એ વાત પર છે કે નવા કાયદા અંતર્ગત ચૂંટણી કમિશનરોની પસંદગીથી મુખ્ય ન્યાયાધીશને અલગ રાખવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ એક કેન્દ્રીય મંત્રી પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચમાં બંને નવી નિયુક્તિઓ મુખ્ય ન્યાયાધીશની મરજી વિના થઈ છે, પરંતુ જરૂરી નથી કે મુખ્ય ન્યાયાધીશ સમિતિમાં હોય તે જ સમિતિ સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય, બાકી નહીં! એટલે જ હાલમાં સર્વોચ્ચ ન્યાયાલયનું વલણ પણ સરકારને અનુરૂપ જ છે.

ચૂંટણી કમિશનરો ની પસંદગી સંબંધે પહેલાં નિશ્ચિત કાયદો ન હતો અને હવે જ્યારે સુપ્રીમના કહેવાથી સરકારે કાયદો બનાવી જ લીધો છે તો એ કાયદા પર ફરી પાછો સવાલ ઉઠાવવો સહેજ પણ યોગ્ય નથી. જોકે પસંદગી પ્રક્રિયાના ગુણદોષ પર ન્યાયાલય વિચાર કરી શકે છે. ન્યાયાલયને એ પણ લાગ્યું છે કે ચૂંટણી કમિશનરો ની નિયુક્ત માટે પસંદગી સમિતિને ઉમેદવારોની પૃષ્ઠભૂમિ સમજવા માટે યોગ્ય સમય આપવો જોઇતો હતો. પસંદગીમાં ઉતાવળના મુદ્દાને લઈને પસંદગી સમિતિના જ એક સદસ્ય કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી કમિશનરો ની નિયુક્તિ વહેલી થાય તે જોકે જરૂરી હતું અને અધીર રંજન વિરોધ પક્ષના નેતા છે તેથી તેમને કોઈપણ વાતે વાંકુ પડવાનું જ હતું. ન્યાયમૂત સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે કમિશનરો ની નિયુક્તિઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે, પરંતુ નિયુક્તિમાં રહી ગયેલી કેટલીક ખામીઓ તરફ ઇશારો કરીને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. અદાલતે દોહરાવ્યું કે ચૂંટણી કમિશનરો ની પસંદગી સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઇએ. કમિશ્ર્નરોની ઓળખ તેમના નિર્ણયોને કારણે જ થાય છે. જો કમિશ્ર્નર પોતાના નિર્ણયોથી નિષ્પક્ષ ચૂંટણીના પક્ષધર દેખાય છે, તો તેનાથી લોકોને ખુશી પણ થાય છે અને દેશમાં સારા રાજકારણને બળ પણ મળે છે. હાલના દિવસોમાં ચૂંટણી પંચ પર સતત આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. વિશેષ રૂપે વિપક્ષી નેતાઓને ચૂંટણી પંચ પાસે મોટી આશા છે. જે કમિશ્ર્નરોની પસંદગીને પડકાર આપવામાં આવ્યો છે, તેમના માટે પણ આ ખુદને સાબિત કરવાનો મોકો છે. પંચની નકામી ફરિયાદ કરનારા લોકોએ પણ સજજાગ રહેવું જોઇએ, નિષ્પક્ષ ચૂંટણી બધાની જવાબદારી છે. એવું ન થવું જોઇએ કે આચાર સંહિતાની સ્વયં અવહેલના કરનારા ઉમેદવાર બીજાને ફસાવવા માટે કામ કરે. ચૂંટણીમાં ધનનો દુરુપયોગ રોકીને આદર્શ આચારસંહિતાના પાલનને જ જો સુનિશ્ર્ચિત કરી દેવામાં આવે, તો ચૂંટણી પંચ અને કમિશ્ર્નરોની સાર્થક્તા જાતે જ સિદ્ઘ થઈ જશે. પંચનાં પ્રારંભિક પગલાં જોતાં સાર્થક્તા સિદ્ઘ થાય એવું લાગી પણ રહ્યું છે.