અમેરિકામાં વધુ એક ભારતીય રહેવાસીનું મોત, એક મહિલાનું કાર અકસ્માતમાં મોત

ન્યુયોર્ક, અમેરિકામાં ભારતીય મૂળની ૨૧ વર્ષીય મહિલાનું મોત થયું છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર જણાવ્યું કે ભારતીય મૂળની મહિલા અર્શિયા જોશીનું પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં મોત થયું છે. દૂતાવાસે અર્શિયા  જોશીના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

કોન્સ્યુલેટે કહ્યું કે તે અર્શિયા જોશીના પરિવાર અને સ્થાનિક નેતાઓના સતત સંપર્કમાં છે. દૂતાવાસે અર્શિયા ના મૃતદેહને ભારત પરત લાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, ભારતીય કોન્સ્યુલેટે કહ્યું કે ૨૧ માર્ચે પેન્સિલવેનિયામાં એક દુ:ખદ કાર અકસ્માત થયો હતો, જેમાં અર્શિયા જોશીનું મૃત્યુ થયું હતું. અર્શિયા ના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના, તેના આત્માને શાંતિ મળે. વધુમાં લખવામાં આવ્યું છે કે અર્શિયા ના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.

આ વર્ષે એટલે કે ૨૦૨૪માં અમેરિકામાં આઠ ભારતીયો અને ભારતીય મૂળના લોકોના મોત થયા છે. બીજી તરફ ભારતીયો પર સતત હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. જેના કારણે ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોમાં ભયનો માહોલ છે.

માર્ચ ૨૦૨૪ માં, વોશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને કુચુપુડી ડાન્સર અમરનાથ ઘોષને સેન્ટ લુઇસમાં ગોળી મારી દેવામાં આવી હતી. પશ્ર્ચિમ બંગાળના રહેવાસી અમરનાથ ઘોષ વર્ષ ૨૦૨૩માં અમેરિકા ગયા હતા. ઘોષના શરીર પર ઘણી ગોળીઓ વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ, ભારતીય મૂળના વિદ્યાર્થી સમીર કામથનો મૃતદેહ ઇન્ડિયાના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સમીર કામથ પરડ્યુ યુનિવસટીનો વિદ્યાર્થી હતો.

૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ, ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ વિવેક તનેજા પર વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું.

આ વર્ષે જાન્યુઆરીમાં લિંડનર સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીની લાશ ઓહાયોમાં મળી આવી હતી.

જાન્યુઆરી મહિનામાં જ પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી, નીલના મૃત્યુની પુષ્ટિ થઈ.

ફેબ્રુઆરીમાં અમેરિકામાં ભારતીય મૂળના અન્ય એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીનું નામ અકુલ ધવન હતું અને તે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેનનો વિદ્યાર્થી હતો.

૧૮ માર્ચે અભિજીત પરચુરુના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. તેના પર કોઈ હુમલાની કોઈ પુષ્ટિ થઈ નથી.

હવે પેન્સિલવેનિયામાં કાર અકસ્માતમાં ૨૧ વર્ષની અર્શિયા જોશીના મોતના સમાચાર સામે આવ્યા છે.