ઈઝરાયેલી બોમ્બ વર્ષામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૮૨ના મોત : હજી સુધીમાં કુલ મૃત્યુઆંક ૩૨,૦૭૦

સંયુક્ત રાષ્ટ્ર, છેલ્લાં પાંચ મહિનાથી ચાલી રહેલાં ઈઝરાયલ-હમાસ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. ઈઝરાયલી બોમ્બમારામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૮૨નાં મોત થયા છે. આ સાથે હજી સુધીમાં નોંધાયેલાં મૃત્યુનો આંક ૩૨૦૭૦ સુધી પહોંચી ગયો છે. ઘાયલોની સંખ્યા ૭૪,૨૯૮ થઈ છે. પરંતુ આ આંકડાઓમાં પણ વધારો થવાની ભીતિ રહેલી છે.

ગાઝામાં નરસંહાર રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ ચીન અને રશિયાએ પોતાનાં ’વીટો-પાવર’ વાપરી તે ઉડાડી દીધો. અમેરિકા દ્વારા રજૂ કરાયેલો આ પ્રસ્તાવ ઉડી જતાં હવે ગાઝામાં શાંતિ સ્થાપવી મુશ્કેલ બન્યું છે. ૧૫ સભ્યોની બનેલી આ સલામતી સમિતિમાં ૧૧ સભ્યોએ તેની તરફેણમાં મત આપ્યો હતો. ત્રણે વિરોધમાં મત આપ્યો હતો, જ્યારે એક સભ્યે મતદાન કર્યું ન હતું. તદાન પહેલાં જ રશિયાના યુનો સ્થિત રાજદૂત વાસીલી નોબેન્જિયાએ કહ્યું હતું કે ’રશિયા ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામ થાય તેમ તો ઈચ્છે જ છે, પરંતુ અમારે તે પ્રસ્તાવની ભાષા સામે વિરોધ છે.’ આટલું જ નહીં પરંતુ તેઓએ અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિક્ધેન અને અમેરિકાનાં યુનો સ્થિત રાજદૂત લિંડા-થોમસ-ગ્રીન ફીલ્ડ ઉપર રાજકીય કારણોસર જ આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. આ પૂર્વે ગ્રીનફીલ્ડે કહ્યું હતું કે તેઓને આશા છે કે નવા મુસદ્દા સાથે ઘડાયેલો આ યુદ્ધ વિરામ પ્રસ્તાવ સલામતી સમિતિમાંથી પસાર થઈ જશે. પરંતુ તેવું થઈ શક્યું નથી.