મહીસાગર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના અણસોલ્યા ધાવડીયા ગામના ત્રણ યુવાનો અણસોલ્યા તળાવમાં ડૂબી જતા તેમના મોત થયા છે. આમ હોળીના પર્વ પૂર્વે જ ત્રણ કુટુંબોમાં તહેવાર શોકની ઘટનામાં ફેરવાઈ ગયો છે.
વિરપુર તાલુકાના ધાવડીયા ગામના વતની અને એક જ ફળિયામાં રહેતા ત્રણ યુવાન ૨૦ વર્ષના જયેશ બાલાભાઈ સોલંકી, ૧૮ વર્ષના રવિન્દ્ર રમણભાઈ સોલંકી અને ૧૮ વર્ષના નરેશ બાબુભાઈ સોલંકી બપોરે વિરપુર પાસે આવેલા અણસોલ્યા તળાવમાં ન્હાવા પડ્યા હતા. તેઓ ઊંડા પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે. તેઓ એક જ ફળિયામાં રહેતા હતા. તેમના કુટુંબીજનો વિરપુર સરકારી દવાખાને પહોંચ્યા છે જ્યાં દવાખાનાનું સંકુલ કુટુંબીજનોના આક્રંદથી ગમગીન બન્યું છે. હોળીના આગલા દિવસે બનેલી ઘટનાથી આખુ ધાવડિયા ગામ શોકમગ્ન બન્યું છે. આ યુવાનોના કુટુંબ પર જાણે આભ તૂટી પડ્યું છે. આ ઘટનાના સમાચાર મળતા જ ધાવડિયા ગામના લોકો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. બીજી બાજુએ વીરપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. લુણાવાડા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડ ટીમ પણ પોતાની વાન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
ત્રણેય મિત્રોનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ શોધી કાઢ્યો હતો. તેના પગલે પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પછી સ્થાનિકોએ વીરપુર તાલુકો બન્યે વર્ષો વીતી ગયા હોવા છતાં ફાયર સ્ટેશન કે તરવૈયા જેવી કોઈ સગવડ ન હોવાના લીધે આવી ઘટના બનતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે તેમ જણાવ્યું હતું.