રાજ્યમાં ૧૨ મહિનામાં એસીબીએ ૧૭૫ ભ્રષ્ટ અધિકારી- કર્મીઓ, ૧૦૮ વચેટિયાને પકડયાં

  • ગૃહ વિભાગમાં સૌથી વધુ ૬૬,શહેરી વિકાસમાં ૨૦ અને શિક્ષણ વિભાગમાં ૯ કેસ.

અમદાવાદ,ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને પારદર્શક વહિવટની વાતો વચ્ચે આજે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના અનેક વિભાગો ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓથી ખદબદી રહ્યાં છે. જેમાં ગૃહ વિભાગથી લઈ પંચાયત, મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ – શહેરી ગૃહ નિર્માણ વિભાગનો પણ સમાવેશ થાય છે.શિક્ષણ વિભાગને પણ ભ્રષ્ટાચારીઓએ અભડાવ્યો છે. લોકોને કામ માટે વારંવાર ધક્કા ખવડાવી અંતે લાંચની માંગણી કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના ૧૭૫ ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓ ઉપરાંત વચેટિયાની ભૂમિકા ભજવતાં ૧૦૮ ખાનગી વ્યક્તિઓને ગત વર્ષ ૨૦૨૩માં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પાડયા હતા. આ લાંચિયાઓમાં ૭ ક્લાસ વન અને ૨૦ ક્લાસ – ટુ અધિકારીઓ પણ સામેલ છે.

રાજ્ય સરકારે પારદર્શક વહીવટના ભાગરૂપે ઓનલાઈન સિસ્ટમ પર ભાર મૂક્યો છે. જેથી લોકોના કામ સરકારી કચેરીમાં ગયા વગર ઘરે બેઠા પણ થઈ શકે, પરંતુ અનેક કામો એવા છે કે, સરકારી કચેરીમાં ગયા વગર થતાં જ નથી. લોકોના કામ એક ધક્કામાં થઈ જશે, તેવી પણ વાતો કરાય છે, પરંતુ અનેક સરકારી કચેરીઓમાં આજે પણ ચંપલ ઘસાઈ ગયા બાદ પણ કામ થતાં નથી. લોકો સરકારી કચેરીઓમાં આટાફેરા મારી કંટાળી જાય છે, ત્યારે કોઈપણ રીતે કામનો નિકાલ લાવવાનો પ્રયાસ કરે છે. જેનો કચેરીઓની અંદર અને બહાર ફરતાં વચેટિયાઓ સૌથી પહેલો ફાયદો ઉઠાવે છે. તેઓ અધિકારીઓની સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાથી જે તે વ્યક્તિને ૧૦૦ ટકા કામ કરાવી આપવાની ગેરંટી આપે છે, પરંતુ તેની સામે મનફાવે તેમ લાંચની રકમની માંગણી કરતાં હોય છે.

ઘણાં કિસ્સાઓમાં અધિકારી – કર્મચારીઓ પોતે જ કામના બદલામાં લાંચની માંગણી કરતાં હોય છે. જેમાં ઘણીવાર સામેની વ્યક્તિની પરિસ્થિતિ જોયા વગર લાંચની માંગણી કરાતી હોય છે. જેને લઈ નાછુટકે જે તે વ્યક્તિ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાંધી ફરિયાદ નોંધાવે છે, તેમ જણાવતાં એસીબીના અધિકારીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં અમે રાજ્યમાં કુલ ૨૦૫ કેસ કરી ૨૮૩ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓએ કુલ ૧,૧૯,૨૮,૧૯૦ રૂપિયાની લાંચની માંગ કરી હતી. એસીબીએ ગૃહ વિભાગમાં સૌથી વધુ ૬૬ કેસ કર્યા હતા. જ્યારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં ૩૭, મહેસુલ વિભાગમાં ૨૫, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ૨૦, શિક્ષણ વિભાગમાં ૦૯ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૧૨ કેસ કર્યા હતા. એસીબીએ ગુજરાતમાં કરેલા કેસોમાં કુલ ૧૮૩ ટ્રેપ થઇ હતી. તેમજ અપ્રમાણસર મિલક્તના ૯, લાંચ માગવાના ૨ અને ડીકોઇના ૧૧ કેસ પણ કર્યા હતા.

રાજ્યમાં આવેલા આ સરકારીઓ વિભાગોમાં વર્ષ ૨૦૨૩માં એકપણ ટ્રેપ, ડિકોય, ડિમાન્ડ કે અપ્રમાણસર મિલક્તનો એક પણ કેસ અધિકારી – કર્મચારી સામે નોંધાયો નથી. જેમાં સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગ, વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ તથા ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગનો સમાવેશ થાય છે.

એસીબીના જૂનાગઢ એકમ હેઠળના ગીર – સોમનાથ જિલ્લામાં આખા વર્ષમાં સમખાવા પૂરતી એક પણ ટ્રેપ થઈ નથી.! જ્યારે પોરબંદર જિલ્લામાં અપ્રમાણસર મિલક્તનો માત્ર એક કેસ દાખલ કરાયો હતો. રાજકોટ એકમના રાજકોટ ગ્રામ્યમાં માત્ર એક ડિકોય ટ્રેપ તેમજ ભાવનગર એકમના અમરેલી જિલ્લામાં પણ માત્ર એક ટ્રેપ થઈ હતી.

રાજ્યમાં એન્ટિ કરપ્શનના કેસોમાં સજાનું પ્રમાણ વયું છે. વર્ષ ૨૦૨૨માં ૨૮ ટકા હતું. જે ગત વર્ષ ૨૦૨૩માં ૪૧ ટકાએ પહોંચ્યું હતું. જ્યારે ચાલુ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ કન્વિક્શનનું પ્રમાણ ૪૩ ટકા થયું છે.સજાનું પ્રમાણ વધે તે માટે દરેક આસિસ્ટન્ટ ડાયરેક્ટર, તપાસ અધિકારી અને સરકારી વકીલ સાથે મહિનાની શરૂઆતમાં જ મિટિંગ કરાય છે. જેમાં કેટલા કેસ કોર્ટમાં બોર્ડ પર છે.? તેમાં કોણ કોણ ફરિયાદી અને સાક્ષીઓ છે.? તેની ચર્ચા થાય છે. જે બાદ ફરિયાદી અને સાક્ષીઓને મળી તેમને કોર્ટમાં કંઈ રીતે જૂબાની આપવાની છે, તેનું કાઉન્સિલિંગ કરાય છે. તપાસ અધિકારી પણ પોતે કબજે કરેલા પુરાવાની સાયટેન્ફીક વેલ્યું શું છે ? તેને લઈ સુપ્રીમ કોર્ટે કરેલા ઓર્ડર બાબતે સરકારી વકીલને અવગત કરે છે. જેના આધારે સરકારી વકીલ આરોપીને સજા થાય, તેવી દલીલ કોર્ટમાં કરી શકે. હવે, ભ્રષ્ટાચારના કેસોમાં કોર્ટોનું વલણ આકરું જોવા મળી રહ્યું છે. જે સારી વાત છે. તાજેતરમાં હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર દેશના સામાજિક અને રાજકીય વિકાસને રૂંધે છે.