અમદાવાદ, લોક્સભાની ચૂંટણી માટે ભાજપે પ્રચાર કરવાની શરુઆત કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદના વાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમજ ઈન્ટરનેટના મહત્તમ ઉપયોગથી ગાંધીનગર લોક્સભામાં વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત લાભાર્થીઓની માહિતી અને સરળ સંપર્ક માટે ભાજપે વિશેષ ડિજિટલ લિંક પણ તૈયાર કરી છે.
બીજી તરફ ગાંધીનગર લોક્સભા વિસ્તારમાં પ્રચાર કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વગર કેજરીવાલ પર કટાક્ષ કર્યા હતા. પ્રચાર દરમ્યાન ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, આજે ૧૦ વર્ષનો હિસાબ લઈને આવ્યા છીએ. પહેલા કૌભાંડો પર ચર્ચા થતી હતી આજે કૌભાંડીઓ પર સરકાર ત્રાટકે છે. પહેલા જ્ઞાતિવાદ અને જાતિવાદ જેવા મુદ્દે ચૂંટણી લડાતી હતી આજે વિકાસના નામ પર અમે મત માગીએ છીએ. ગાંધીનગર બેઠક ૧૦ લાખની લીડથી જીતવાના લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત પ્રચાર કરી રહ્યાં છે