રાજસ્થાનમાં કલયુગી પુત્રએ પિતાની હત્યા કરી ઘરમાં જ મૃતદેહ દાટ્યો

જયપુર,રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક ક્રૂર કલયુગી પુત્રએ કથિત રીતે તેના ૬૦ વર્ષીય પિતાની નિર્દયતાથી હત્યા કરી અને મૃતદેહને તેના ઘરના આંગણામાં દાટી દીધો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી, પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાના આરોપી ચુન્ની લાલની બુધવારે તેના પિતા રાજેંગ બરંડા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન તેણે તેના માથા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે ચુન્ની લાલના હુમલાને કારણે પિતા બરંડાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને ચુન્ની લાલે ઉતાવળમાં લાશને ઘરના આંગણામાં દાટી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક બરંડાને પ્રકાશ, દિનેશ, પપ્પુ અને ચુન્ની લાલ નામના ચાર પુત્રો હતા, જેમાંથી પ્રકાશ અને તેની માતા અમદાવાદમાં રહેતા હતા અને તેના અન્ય ભાઈ-બહેન ડુંગરપુરના બલવાડા ગામમાં રહેતા હતા. બરંડા ચુન્નીલાલ સાથે અલગ ઘરમાં રહેતા હતા.

ઘટના બાદ બરંડાના પુત્રો દિનેશ અને પપ્પુએ પ્રકાશને ફોન કરીને જણાવ્યું કે તેઓ છેલ્લા બે દિવસથી તેમના પિતાને જોયા નથી. આ સાંભળીને પ્રકાશ તેની માતા સાથે ગામમાં આવ્યો અને ચુન્ની લાલનો સામનો કર્યો. પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં ચુન્ની લાલે ના પાડી અને કહ્યું કે હું ઘરે નથી. પપ્પા ક્યાં ગયા છે ખબર નથી. ચુન્ની લાલે ઘણી ખોટી વાર્તાઓ બનાવી પરંતુ શુક્રવારે તેણે પોતાના પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી, ત્યારબાદ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસે જણાવ્યું કે બરંડાના મૃતદેહને આંગણામાંથી ખોદીને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ચુન્ની લાલની ધરપકડ કરવામાં આવી છે.