કરાંચી,
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની જ સમસ્યાઓમાં ફસાઈ ગયું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં જાહેરમાં ઝપાઝપી થઈ હતી. અધિકારીઓ એકબીજાને મારવા લાગ્યા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર પર સાથી સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે અને હવે મામલો શિસ્ત પંચમાં પહોંચ્યો છે.સુત્રોના અનુસાર, આ ઘટના પીસીબી હેડક્વાર્ટરમાં બની હતી અને ઝપાઝપીનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મીડિયા અને કોમ્યુનિકેશન ડિરેક્ટર સમી-ઉલ-હસન અને કોમશયલ ડિરેક્ટર ઉસ્માન વાહીદ વચ્ચે શરૂઆતથી જ સંબંધો ખરાબ હતા. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા હતા. બંને સીધા મોઢું બોલતા પણ ન હતા. સામી અને ઉસ્માન બંનેએ પોતાની વાતની હદ વટાવી દીધી હતી. આ પછી બંને હેડક્વાર્ટરના કોરિડોરમાં ટકરાયા. સામી પર આરોપ છે કે તેણે આ દરમિયાન ઉસ્માનને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મામલો વધી જતાં ત્યાં હાજર બાકીના અધિકારીઓએ દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ ઉસ્માને લેખિત ફરિયાદ કરી હતી. તેણે લખ્યું કે મીડિયા ડિરેક્ટરે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ મામલો શિસ્ત આયોગને મોકલવામાં આવ્યો છે અને આ મામલે બેઠક પણ યોજવામાં આવી છે. બંનેને સાંભળ્યા બાદ અને પુરાવા જોયા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે. સૂત્રના જણાવ્યા અનુસાર પીસીબીના વરિષ્ઠ અધિકારીઓએ ઉસ્માન પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ પણ કર્યું હતું, પરંતુ તે તેના માટે તૈયાર નહોતો. તેણે બિનશરતી માફીની ઓફર પણ ઠુકરાવી દીધી છે. ઉસ્માન આ મામલામાં સામી વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધવા માંગે છે, પરંતુ બોર્ડે તેને ન્યાયનું આશ્ર્વાસન આપીને કડક પગલાં લેતા અટકાવ્યો.