ખંડવા,
સુરતના લિંબાયતમાંથી ઓમકારેશ્ર્વર ગેયલા લોકો હોડીમાં સવાર હતા ત્યારે હોડી ઉંધી વળી જતા માતા પુત્રનું મોત થયું હતું. ગુરુવારે, મઘ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્ર્વર શહેરમાં નર્મદા નદીમાં એક હોડી પલટી જતાં એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું. જ્યારે ૧૧ અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરતના લીંબાયત વિસ્તારના હનુમાન મંદિર મોહલ્લાના ૧૬ લોકો પરિક્રમાએ ગયા હતા.
ખંડવાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોટમાં ૧૩ લોકો સવાર હતા અને આ તમામ લોકો સુરતના હતા. જેઓ કારતક મહિનાના મેળામાં ભાગ લેવા ઓમકારેશ્ર્વર આવ્યા હતા. ઓમકારેશ્ર્વર દેશના ૧૨ જ્યોતિલગોમાંનું એક છે અને હાલમાં ત્યાં કારતક મહિનાનો મેળો ચાલી રહ્યો છે.
પોલીસે મૃતકોની ઓળખ સુરતના લિંબાયતના રહેવાસી દર્શન (૪૫) અને તેના છ વર્ષના પુત્ર લક્ષ્ય તરીકે થઈ છે. બોટમાં સવાર અન્ય ૧૧ લોકોને તરવેૈયાઓની મદદથી બચાવી લેવાયા હતા. આ ઘટના સાંજે ૫ વાગ્યે બની જ્યારે ઓમકારેશ્ર્વર ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત મુદ્દે નાવિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.