કાશ્મીરમાં ફરી બિન કાશ્મીરીઓને બનાવાયા નિશાન, બે વ્યક્તિઓ ઉપર ગોળીઓ ચલાવાઈ

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. એક બિહારના અને એક નેપાળના વ્યક્તિને ગોળી વાગી છે. બંને અનંતનાગ જિલ્લાના બોંદિયાલગામની એક ખાનગી શાળામાં નોકરી કરતા હતા. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે ઈજાગ્રસ્ત બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ નજીકથી ગોળીબાર કર્યો હતો. દરમિયાન, હુમલાખોરોને પકડવા માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઈજાગ્રસ્તોમાં એક શાળાનો પટાવાળો છે.

એડીજીપી કાશ્મીરે કહ્યું કે આ આતંકવાદનું કાયર અને અમાનવીય કૃત્ય છે. આતંકવાદીઓએ તેને કામ માટે બહાર આવવા કહ્યું હતું. જેવા બંને બહાર આવ્યા, આતંકવાદીઓએ તેમના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું. અમે ટોચની પ્રાથમિક્તા પર તપાસ કરી રહ્યા છીએ. ગુનેગારને જલદી જ પકડી લેવાશે.

અગાઉ, ૩ નવેમ્બરના રોજ, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સૈનિકોએ એક આતંકવાદીનો મૃતદેહ મેળવ્યો હતો જ્યારે બે આતંકવાદીઓના મૃતદેહ એલઓસીને પેલે પાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં પડ્યા હતા. આ બન્ને આતંકવાદીઓના મૃતદેહોને પીઓકેના ગ્રામજનો લઈ ગયા હતા.

સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ સેનાના સતર્ક ટુકડીઓએ પૂંચ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ જોયા. તેઓ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય બાજુમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો જેમણે સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ થયેલા એક્ધાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થળ પરથી બે એકે-૪૭ રાઈફલ, એક પિસ્તોલ અને અન્ય શો પણ મળી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે આતંકવાદ અહીં તેના છેલ્લા શ્ર્વાસ ગણી રહ્યો છે. તેમણે તમામ હિતધારકોને કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાયી શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવા માટે તેમની ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળો એકલા સ્થાયી શાંતિ લાવી શક્તા નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અન્ય વિભાગો પણ આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉપરાજ્યપાલનું આ નિવેદન કેન્દ્રશાસિત પ્રદેશમાં કાશ્મીરી પંડિતોની હત્યાની ઘટનાઓ પર રાજકીય પક્ષોની ટીકાના જવાબમાં આવ્યું છે.

સિન્હાએ ગરખાલ બોર્ડર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું પૂરા વિશ્ર્વાસ સાથે કહી શકું છું કે આતંકવાદ તેના અંતિમ શ્ર્વાસ ગણી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં સામાન્ય લોકોને વિશ્ર્વાસ હોય કે તેમને ન્યાય મળશે અને વહીવટીતંત્ર તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ અને સામાન્ય સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે એક મોટી પહેલ સાબિત થશે. સિંહાએ કહ્યું કે પારદશતા અને ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતે પ્રોજેક્ટના અમલીકરણમાં ક્રાંતિ લાવી છે.