પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન સઈદ અહેમદનું ૮૬ વર્ષની વયે નિધન

મુંબઇ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન સઈદ અહેમદનું ૮૬ વર્ષની વયે નિધન થઈ ગયું છે. સઈદ અહેમદે પાકિસ્તાન ટીમ માટે કુલ ૪૧ ટેસ્ટ મેચો રમી છે, જેમાં તેણે પાંચ સદી અને ૧૬ અડધી સદીની મદદથી ૨,૯૯૧ રન બનાવ્યા હતા. ખાસ વાત એ હતી કે તેની ત્રણ સદી ભારત વિરુદ્ધ હતી. સઈદ અહેમદે તેની જમણા હાથની ઓફ સ્પિન બોલિંગથી ૨૨ વિકેટ પણ લીધી છે.

સઈદ અહેમદે ૧૯૫૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી અને ૧૯૭૨-૭૩ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. સઈદ અહેમદ પાકિસ્તાનના છઠ્ઠા ટેસ્ટ કેપ્ટન હતા અને ૧૯૬૯માં ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમણે હનીફ મોહમ્મદની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

સઈદ અહમદનો જન્મ ૧૯૩૭માં જલંધરમાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ભારતમાં હતો, જે હવે ભારતીય પંજાબનો ભાગ છે. સઈદ અહેમદે વેસ્ટ ઈન્ડિઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં ૨૦ વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જ્યાં હનીફ મોહમ્મદે ૯૭૦ મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ ૩૩૭ રન બનાવ્યા હતા.

૧૯૭૨ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડેનિસ લિલી સાથેની દલીલ બાદ, સઈદ અહેમદે પીઠની ઈજાને કારણે પોતાને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો, એ બાદ સઈદ ફરી ક્યારેય પાકિસ્તાન તરફથી રમ્યો નહીં, બસ આ પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.

સઈદ અહેમદ ઘણા વર્ષો સુધી લાહોરમાં એકલા રહેતા હતા અને બગડતી તબિયતને કારણે તેને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. બુધવારે બપોરે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. સઈદ અહેમદના પરિવારમાં તેમના બે પુત્રો, એક પુત્રી અને સાવકા ભાઈ યુનિસ અહેમદ છે. યુનિસ અહેમદે પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમી હતી.

સઈદ અહેમદનો કેપ્ટન તરીકેનો કાર્યકાળ માત્ર ત્રણ ટેસ્ટનો જ રહ્યો. પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ’પૂર્વ ટેસ્ટ કેપ્ટનના નિધનથી પીસીબી દુખી છે અને સઈદ અહેમદના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેણે પૂરા દિલથી પાકિસ્તાનની સેવા કરી અને પીસીબી તેના રેકોર્ડ અને ટેસ્ટ ટીમની સેવાઓનું સન્માન કરે છે.