રાજકોટ,૩૫ વર્ષીય ઈલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતા સંજયભારથી ગોસાઈ નામના વ્યક્તિ દ્વારા બુધવારના રોજ સવારના ૧૦:૩૦ વાગ્યા પૂર્વે કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સંજયભારથી વિરુદ્ધ આઇપીસી ૩૦૨ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ યુનિવસટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈલા સોલંકી સંજયભારની સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. તેમ છતાં સંજયભારથી દ્વારા ઇલા સોલંકી ઉપર શંકા કુશંકા કરવામાં આવતી હતી. તેમજ બંને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં એસીપી રાધિકા ભારાયના જણાવ્યા પ્રમાણે રૈયા રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટરમાં ઇલાબેન સોલંકી નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા સંજયભારથી નામની વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને પોતાના તેર વર્ષીય પુત્ર સાથે ક્વાર્ટર ખાતે રહેતા હતા. સંજયભારથી દ્વારા ઓશીકા વડે ઇલાબેન સોલંકીનું મોઢું દબાવી શ્ર્વાસ રૂંધાવી નાંખી તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
બંને વચ્ચે થોડાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. તેમજ મંગળવારના રોજ બંને વચ્ચે વાસણ સાફ કરવા જેવી નજીવી બાબતે ઝઘડો પણ થયો હતો. સંજયભારથી એમ્બ્યુલન્સ ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર ઇલા સોલંકીના પતિ મનસુખ સોલંકીનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. કોવિડના સમયમાં ઈલા સોલંકી ઘરે ઘરે જઈ દર્દીઓની સાર સંભાળ રાખવાનું કામકાજ કરતી હતી. જેના કારણે તે સમયે સંજયભારથી સાથે તેની ઓળખાણ થઈ હતી. તેમજ ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બુધવારના રોજ ઈલા સોલંકીની બહેન પૂનમ તેની બહેનના ઘરે પહોંચી હતી. જોકે ઘરના દરવાજે તાળું જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે ચાવી દ્વારા તાળું ખોલતા બેડરૂમમાં જઈને તપાસ કરતા પોતાની બહેનની ગળાટુંપો દીધેલી હાલતમાં લાશ મળી આવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે. તેમજ તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. તેમજ તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ કયા ક્યાં ગયો છે તે બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.