ભુજના માધાપરમાં ધોળા દાડે જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે હુમલો

ભુજ, ભુજ તાલુકાના માધાપર ગામમાં આજે ધોળા દહાડે જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે બે પરપ્રાંતિય ઈસમોએ વેપારી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બે પરપ્રાંતીય ઇસમોએ શ્રી હરેકૃષ્ણા જવેલર્સ નામની દુકાનમાં સોનાના ઘરેણાં અંગેની પૂછપરછ કર્યા બાદ અચાનક હુમલો કરી ઘરેણાં લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લોહી લુહાણ હાલતમાં પણ વેપારીએ પ્રતિકાર કરતા બન્ને આરોપી ફરાર થઇ ગયા હોવાની ઘટના બનવા પામી છે. હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ વેપારીના નિવેદનના આધારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં ભોગ બનનાર જવેલર્સના માલિક વસંત દિનેશ સોનીએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે મારી દુકાને મયપ્રદેશના બે હિન્દી ભાષી બોલતા ઈસમો આવ્યા હતા અને એક દિવસ અગાઉ ઘરેણાંના ભાવ પૂછી ગયા બાદ આજે ખરીદવા આવ્યા હોવાની વાતચીત દરમિયાન સાથેની બેગમાંથી લોખંડની ટામી બહાર કાઢી મારા માથાના ભાગે પ્રહાર કરી દીધો હતો.

ઇજાના કારણે લોહી નીકળતી હાલતમાં મેં પ્રતિકાર કરી બુમાબુમ કરતા બન્ને જણા ફરાર થઇ ગયા હતા. બનાવ બાદ દોડી આવેલા લોકોએ પ્રાથમિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, અને વધુ સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.