ટોચના માત્ર એક ટકા અમીરો દેશની ૪૦ ટકા સંપત્તિ, ૨૨ ટકા આવકના માલિક

નવીદિલ્હી, ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચે અંગ્રેજ શાસકમાં હતી તેના કરતાં પણ વધુ અસમાનતા અત્યારે જોવા મળી રહી છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ (વિશ્વ અસમાનતા અહેવાલ) પ્રમાણે ૨૦૨૨-૨૩માં દેશના સૌથી ધનિક ૧ ટકા વસ્તીની આવકમાં હિસ્સેદારી વધીને ૨૨.૬ ટકા થઈ ગઈ છે. સાથે જ સંપત્તિમાં તેમની હિસ્સેદારી વધીને ૪૦.૧ ટકા થઈ છે. આ સ્થિતિ પાછલાં ૧૦૦ વર્ષમાં પહેલી વાર સર્જાઈ છે.

‘ભારતમાં આવક અને સંપત્તિમાં અસમાનતા, ૧૯૨૨-૨૦૨૩ : અબજપતિ રાજનો ઉદય’ મથાળા હેઠળના આ અહેવાલ પ્રમાણે ૧૯૯૧ની આર્થિક ઉદારીકરણ નીતિ પછીથી અસમાનતાની ખાઈ વધુ પહોળી થઈ છે. પરંતુ છેલ્લા એક દાયકામાં તેમાં ઘણો વધારો થયો છે. દેશમાં એક ટકા ધનિકો પાસેની આવક અને સંપત્તિમાં હિસ્સેદારી વિશ્વમાં સૌથી વધુ છે. એ અમેરિકા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા કરતાં પણ વધુ છે.

૧૯૭૫ સુધી ભારત અને ચીનના લોકોની સરેરાશ આ?વક લગભગ સરખી હતી. ૨૦૦૦ સુધી ચીનની સરેરાશ આવક ભારત કરતાં ૩૫ ટકા જેટલી વધી ગઈ. આ સદીની શરૂઆત પછીથી ચીને હનુમાન કૂદકો માર્યો અને હવે ચીનની સરેરાશ આવક ભારત કરતાં અઢી ગણી વધુ થઈ ગઈ છે. ચીનના ધીમા વિકાસદરની સરખામણીમાં છેલ્લા ત્રણ દાયકામાં ભારતે સારો વિકાસદર મેળવ્યો છે. ફોર્બ્સના રેક્ધિંગ પ્રમાણે એક અબજ ડૉલરથી વધુ સંપત્તિવાળા ધનિકોની સંખ્યા ૧૯૯૧, ૨૦૧૧, ૨૦૨૨માં અનુક્રમે ૧, ૫૨ અને ૧૬૨ હતી. વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતનો વિકાસ દર ઝડપથી વધી રહ્યો છે.

અહેવાલ પ્રમાણે સ્વતંત્રતાથી માંડીને ૧૯૮૦ના દાયકાની શરૂઆત સુધી અસમાનતાનું અંતર ઓછું હતું. ૧૯૬૦થી ૨૦૨૨ દરમિયાન દેશમાં સરેરાશ આવક રિયલ ટર્મમાં ૨.૬ ટકાના દરે વધી જ્યારે ૧૯૯૦થી ૨૦૨૨ના સમયગાળામાં એ ૩.૬%ના દરે વધી જ્યારે રિયલ ગ્રોથ રેટ વાર્ષિક ૧.૬ ટકા રહ્યો. ૨૦૦૫થી ૨૦૨૦માં એ ૪.૩% નોંધાયો હતો. અહેવાલ પ્રમાણે કરમાળખામાં ફેરફાર કરવાથી અસમાનતા દૂર કરી શકાય છે. કરમાળખામાં ફેરફારને લઈને વારંવાર નિષ્ણાતો તરફથી રજૂઆતો કરવામાં આવી છે. ફેરફારો થઈ પણ રહ્યા છે.

આ અહેવાલ કોણે તૈયાર કર્યો : ફ્રાન્સના પ્રખ્યાત અર્થ શાસ્ત્રી થૉમસ પિકેટી, હાર્વર્ડ કૅનેડી સ્કૂલના લુકાસ ચેન્સલ, ન્યૂયૉર્ક યુનિવસટીના નીતિનકુમાર ભારતી અને પેરિસ સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના અનમોલ સોમનચી. – વિશ્વ અસમાનતા અહેવાલ ૧૯૬૧થી દર વર્ષે પ્રસિદ્ધ કરે છે.