કાલોલ,કાલોલ નગરમાં હાઈવે સ્થિત ગધેડી ફળિયાના નાકા પાસે આવેલ ગટરની ચેમ્બર પાછલા એક અઠવાડિયાથી છલકાતા ગટરના પાણી ગધેડી ફળિયા વિસ્તારના રોડ પર ઉભરાતા બજાર અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેરના હાઈવે સ્થિત ગધેડી ફળિયાના નાકા પાસે આવેલી જુની ગટર અને ચેમ્બરના પાણી વર્ષોથી હાઈવેની ગટરલાઈનમાં ઠલવાય છે. જેમાં પાછલા ધણા સમયથી સાફસફાઈ નહિ કરી હોવાથી પ્લાસ્ટિક સહિતનો ધન કચરાનો ભરાવો થતાં બંને ગટર લાઈનો વચ્ચેના ભાગ સીલ થઈ જતાં છેલ્લા એક અઠવાડિયાથી ગટરની ચેમ્બર છલકાઈને ગધેડી ફળિયા વિસ્તારના રોડ ભરાવો થઈ રહ્યો છે. જેના પગલે અઠવાડિયાથી આ વિસ્તારમાં ગંદકીનો ઉપદ્રવ વધી ગયો છે.ઉલ્લેખનિય છે કે,હાઈવે સ્થિત મુખ્ય ગટર લાઈનમાં સાફ સફાઈના અભાવે પાછલા કેટલાક દિવસોથી ગટર લાઈન અને ચેમ્બરમાં ઠેર ઠેર કચરો જમાં થઈને ગટરલાઈન બ્લોક થતાં ગટરના પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે.જેથી સ્થાનિક રહિશોને અને ગધેડી ફળિયા વિસ્તારના બજારમાં જમા થયેલા ગંદા પાણીના ભરાવાને કારણે હાલાકીઓ ભોગવવી પડે છે.