
નડીયાદ, દેશમાં લોકસભા ચૂંટણી- 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કાઓમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અવસરમાં સહભાગી થવા દેશભરમાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડા જીલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન 2024 અંતર્ગત રેલી, મતદાન માટે સંકલ્પ અને સંકલ્પપત્રો વિતરણ દ્વારા લોકોને મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.
જેમાં એમ. કે. પટેલ હાઇસ્કુલ અલીણા અને ભારતી વિદ્યાલય, ચલાલી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ હેઠળ રેલી કાઢી ગ્રામજનો અને ખાસ કરીને યુવા મતદારોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સાથે જ મૈત્રી શાળા વિકાસ સંકુલની ભાગવત વિદ્યાલય, કપરૂપુર અને સ્વયંપ્રભા હાઇસ્કુલ, મહુધા મુકામે વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ સંકલ્પ પત્રો મારફતે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને અચૂક અને પવિત્ર મતદાન કરવા બાબતે સંકલ્પ લેવડાવશે.