રાહુલનું નિવેદન

રાહુલ ગાંધીએ ફરી એકવાર એ સાબિત કરી દીધું છે કે તે પોતાની ભૂલોથી ક્યારેય બોધપાઠ નથી લેતા. આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા માટે કહ્યું કે હિંદુ ધર્મમાં એક શબ્દ છે શક્તિ, અને અમે તેની સામે જ લડી રહ્યા છીએ. એમાં શંકા નહીં કે તેઓ નરેન્દ્ર મોદી સામે પૂરતી આક્રમક્તા સાથે રાજકીય લડાઈ લડી રહ્યા છે, પરંતુ એ સમજવું મુશ્કેલ છે કે સત્તાની શક્તિનો મુકાબલો કરવા માટે તેમણે એ કહેવાની શી જરૂર પડી કે હિંદુ ધર્મમાં એક શબ્દ છે, શક્તિ! કદાચ તેઓ શિવભક્ત છે અને તેઓ દાવો કરે છે કે તેમણે હિંદુ ધર્મના શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. વળી, કેટલાક કોંગ્રેસી નેતાઓના કહેવા અનુસાર રાહુલ જનોઈધારી બ્રાહ્મણ પણ છે! તો પછી રાહુલને એટલી સાધારણ વાત તો ખબર હોવી જ જોઇએ કે હિંદુ ધર્મમાં શક્તિની શી માન્યતા અને મહત્ત્વ છે? તેમણે સત્તાની શક્તિ અને હિંદુ ધર્મની શક્તિમાં અંતર કરતાં તો આવડવું જ જોઇએ. એના પર આશ્ચર્ય નહીં કે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના વાણીવિલાસ પર તરત નિશાન સાધ્યું. નિશાન સચોટ લાગ્યું, એ એનાથી સાબિત થાય છે કે હવે રાહુલ ગાંધીની સાથે જ કોંગ્રેસના અન્ય નેતાઓ સફાઈ આપતા ફરે છે અને લોકોને એ સમજાવી રહ્યા છે કે શક્તિના કેટલા પ્રકાર હોય છે અને તેમના કહેવાનો અર્થ આવો નહીં, તેવો હતો વગેરે. જોકે એનાથી કામ ચાલવાનું નથી, કારણ કે રાજકીય લડાઈમાં હિદું ધર્મની શક્તિનો ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ જ ન હતો. જો તેમને આ યોગ્ય લાગતું હોય તો શું તેઓ અન્ય ધર્મો માટે પણ આવા જ રૂપકોનો ઉપયોગ કરીને પોતાના રાજકીય વિરોધીઓ પર હુમલો કરવાનું સાહસ કરી શકશે?

આવું પહેલી વાર નથી બન્યું કે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાની લ્હાયમાં અર્થનો અનર્થ કરતો ભાંગરો વાટ્યો હોય અને કોંગ્રેસને રાજકીય રૂપે નુક્સાન પહોંચાડવાનું કામ કર્યું હોય. રાહુલ ગાંધીને એ તો સારી રીતે ખબર હશે કે જ્યારે તેમણે ચોકીદાર ચોર હૈ જુમલો ઉછાળ્યો હતો, ત્યારે ભાજપે કઈ રીતે તેનો ઉપયોગ પોતાના પક્ષમાં કરી લીધો હતો. એ જ રીતે તેમને એ પણ બરાબર યાદ રહી ગયું હશે કે સજકલ સ્ટ્રાઈક બાદ તેમનું લોહીની દલાલીવાળું નિવેદન કેવી રીતે કોંગ્રેસ પર જ બેકફાયર થયું હતું. રાહુલ ગાંધીએ હિંદુ ધર્મની શક્તિવાળું નિવેદન પોતાની ભારત જોડો ન્યાય યાત્રાના સમાપનના અવસર પર આપ્યું. એવું કરીને તેમણે એ જ મોકો ઉપલબ્ધ કરાવ્યો કે આ યાત્રાને બદલે તેમના આ નિવેદનની ચર્ચા થવા લાગી. એ તો દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને લઈને રોજેરોજ વધુ આક્રમક થતા જાય છે, પરંતુ તેઓ પોતાના શબ્દોની પસંદગીને લઈને ગંભીર નથી દેખાતા. આ જ કારણ છે કે તેઓ એવો કોઈ વિમર્શ ઊભો કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેનાથી દેશની જનતાનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થઈ શકે.