કેએલ રાહુલ માતા-પિતા સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો

ઉજજૈન, ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે આઇપીએલ ૨૦૨૪ પહેલા ઉજ્જૈનના મહાકાલેશ્ર્વર મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે મહાકાલના દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી. કેએલ રાહુલ ટૂંક સમયમાં આઈપીએલમાં રમતા જોવા મળશે. ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જ રમી શક્યો હતો. આ પછી તે સારવાર માટે લંડન ગયો હતો અને આઇપીએલની તૈયારીઓ શરૂ કરતા પહેલા તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોકમાં ગયો હતો. તેઓ આ પહેલા પણ મહાકાલના દર્શન કરી ચૂક્યા છે, પરંતુ તે સમયે તેઓ તેમની પત્ની અથિયા શેટ્ટી સાથે ત્યાં ગયા હતા.

વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આ વખતે તેના માતા-પિતા સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો અને પછી ત્યાંથી રવાના થયા. તે ટૂંક સમયમાં જ લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવા જઈ રહ્યો છે, કારણ કે ટીમની પ્રથમ મેચ જયપુરમાં છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ લખનૌની જગ્યાએ સીધા જયપુરમાં ટીમ સાથે જોડાશે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કેએલ રાહુલનો પ્લાન શું છે અને શું તેને આઈપીએલ ૨૦૨૪ માટે ફિટનેસ સટફિકેટ મળી ગયું છે? તે હાલમાં જ લંડનથી પરત ફર્યો છે.

કેએલ રાહુલ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેની પત્ની સાથે મહાકાલના દર્શન કરવા આવ્યો હતો. આ પછી તેનું નસીબ બદલાઈ ગયું અને તેણે ક્રિકેટના મેદાન પર સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. જો કે, તે આઇપીએલ ૨૦૨૩માં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તેની વાપસી બાદ, તે એશિયા કપ ૨૦૨૩ અને વર્લ્ડ કપમાં પણ મજબૂત ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સદી પણ ફટકારી હતી, પરંતુ હવે તે ઈજાના કારણે ટીમની બહાર હતો. જોકે, તે આઇપીએલ ૨૦૨૪માં જોવા મળશે અને તેનું આગામી લક્ષ્ય ટીમ ઈન્ડિયા માટે ટી ૨૦ વર્લ્ડ કપ રમવાનું હશે. આ ટૂર્નામેન્ટ જૂનમાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાશે.