- બધા માટે સમાન કાનુન અને સમાન હક્કના પક્ષધર છે. તેઓ તેમના જીવનમાં તેને અનુસરે પણ છે.
મુંબઇ, જાવેદ અખ્તર સામાજિક મુદ્દાઓ પર હંમેશા તેમની વાત ખુલીને રાખે છે. આજ કારણે તેમના નિવેદનો ચર્ચામાં પણ રહે છે. એક પોડકાસ્ટમાં જાવેદ અખ્તરે અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તેઓ જન્મ્યા ત્યારે તેમને કાનમાં કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો સંભળાવાયો હતો. આના પર તેમણે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.
જાવેદ અખ્તરે જણાવ્યુ કે તેમનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાના કેટલાક મિત્રો તેમને હોસ્પિટલમાં મળવા આવ્યા. તેમાંથી એક કોમ્યુનિસ્ટ હતા. તેમણે સાંભળ્યુ હતુ કે મુસ્લિમોના બાળકોના કાનમાં કલમા, આયત કે દુઆ પઢવામાં આવે છે, જ્યારે તેમણે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જાવેદ અખ્તરના કાનમાં સંભળાવ્યો હતો. જાવેદ અખ્તરે જણાવ્યુ કે તેમના ઘર પર સ્ટાલિનની એક બહુ મોટી તસવીર રહેતી હતી. કોઈકે કહી દીધુ કે સ્ટાલિન તેમના દાદાજી છે અને બહુ વર્ષો સુધી તેઓ સાચે જ તેમને દાદાજી માનતા રહ્યા હતા. સમય રહેતા જ્યારે તેમને સાચી હકીક્તની જાણ થઈ તો તેઓ ઘણા દુ:ખી થયા હતા.
જાવેદ બાળપણથી જ ક્રાંતિકારી હતા. તેમણે જણાવ્યુ કે જ્યારે હું નાનો હતો ત્યારે કંઈ ખાતો નહીં કે સબ્જી ખાવાની ના પાડતો તો મા કહેતી કે ક્રાંતિમાં જ્યારે જેલ જઈશ તો બધુ જ ખાવુ પડશે. તેમણે કહ્યુ આ સાંભળ્યા બાદ હું બધુ જ ખાઈ લેતો હતો કારણ કે મને ખબર હતી કે એક દિવસ હું જેલ જઈશે. જાવેદ અખ્તરે કહ્યુ મે માત્ર ૬ ૭ વર્ષની ઉમરથી જ મરચા ખાવાનુ શરૂ કરી દીધુ હતુ કારણ કે લોકો કહેતા હતા કે જેલનુ જમવાનુ ઘણુ તીખુ હોય છે. થોડા દિવસો પહેલા સડક પર નમાઝ પઢનારાઓને પોલીસે લાત મારીને હટાવ્યા હતા. આ વીડિયો ઘણો વાયરલ થયો અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ઘણો ચગ્યો હતો. જ્યારે જાવેદ અખ્તર પાસે આના પર રિએક્શન માગવામાં આવ્યુ તો તેમણે કહ્યુ સડક પર નમાઝ પઢવી ઠીક નથી. જો જગ્યા નથી તો સરકાર પાસે માગો પરંતુ સડક નમાઝ પઢવા માટે નથી. હિંદુ કરે કે મુસ્લિમ પરંતુ આ ન થવુ જોઈએ. જો કે પોલીસે જે તરીકો અપનાવ્યો તે પણ બરાબર ન હતો.
યુનિફોર્મ સિવિલ કોડ પર જાવેદ અખ્તરે કહ્યુ કે એ માત્ર મુસ્લિમોની ટીકા માટે ન થવુ જોઈએ. તેમને યુનિફોર્મ સિવિલ કોડમાં કંઈ ખોટુ જણાતુ નથી. કેન્દ્ર દ્વારા ચર્ચા કરી તેને સમાન રૂપે લાગુ કરવી જોઈએ. જાવેદ અખ્તરે કહ્યુ કે તેઓ ખુદ તેનુ પાલન કરે છે. જોકે કોઈ માત્ર એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માગે છે કે મુસ્લિમો એક કરતા વધુ લગ્ન ન કરી શકે તો તે ખોટુ છે. જાવેદ અખ્તરે મજાકમાં કહ્યુ કે લોક જલે છે કે મુસ્લિમોને ચાર પત્નીઓ રાખવાનો હક્ક છે. તેમને બીજુ કંઈ ખોટુ નથી લાગતુ, શું આજ કારણ છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું? જો તમને પણ આ હક્ક આપી દેવામાં આવે તો તકલિફ નહીં થાય.
જાવેદ અખ્તરે કહ્યુ કે ગેરકાયદે રીતે હિંદુઓ બે લગ્નો કરી રહ્યા છે. આંકડા જણાવે છે કે હિંદુઓમાં બે લગ્નો વધારે છે. જાવેદ જણાવ્યુ કે તેઓ બધા માટે સમાન કાનુન અને સમાન હક્કના પક્ષધર છે. તેઓ તેમના જીવનમાં તેને અનુસરે પણ છે. જાવેદે જણાવ્યુ કે તેઓ તેમની પુત્રીને પણ તેમના પુત્રની જેટલો જ સમાન હિસ્સો આપશે. તેમણે લોકોને સવાલ કર્યો કે શું તમે તમારી દીકરીને મિલ્ક્તમાં હિસ્સો આપ્યો ? જો નહીં તો પછી ચુપ રહો.