ઇનામના ૪૦ રૂપિયા લેવા જતાં ખાતામાંથી એક લાખ ઉપડી ગયા

ખેડા : ખેડાના કઠલાલમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ૧૪ વર્ષના પુત્રએ તેના મોબાઇલ પર પ્રીડિક્શન ગેમ રમ્યા બાદ ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મે તેની સાથે ૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ કેસમાં સવાલના સાચા જવાબના ઇનામના ૪૦ રૂપિયા લેવા જતાં લાખ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો. આમ મહિલા સાથે સાઇબર ફ્રોડ થયો હતો.

ખેડાની શુકન સોસાયટીમાં રહેતી સરોજ જૈને તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેના પુત્ર સુમિતે તેને ૧૬ ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તે પ્રોબો નામના પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમ રમી રહ્યો છે.સુમિતે સરોજને કહ્યું કે તેણે એપ પર કેટલાક પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા અને ૪૦ રૂપિયાનું ઇનામ જીત્યું હતું, જે સરોજના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું. ૨૬ ફેબ્રુઆરીની રાત્રે, સુમિતે ફરીથી એપ પર કેટલાક પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તેને ૪૦ રૂપિયાનું ઇનામ મળ્યું.

૨૭ ફેબ્રુઆરીની સવારે સરોજને તેના ફોન પર એક ઓટીપી મળ્યો જે સુમિતે અજાણ્યા કોલર સાથે શેર કર્યો. થોડા સમય પછી, જ્યારે તેણે તેનો ફોન તપાસ્યો, ત્યારે તેના ફોન સાથે જોડાયેલા બેંક ખાતામાંથી ૧ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. તેણે જણાવ્યું હતું કે આના પગલે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે પોલીસનો સંપર્ક કર્યો. કઠલાલ પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ આરોપો સાથે ઈન્ડિયન પીનલ કોડ હેઠળ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.