જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં મંગળવારના રોજ બપોરના સમયે ૧૨ વર્ષીય દ્રષ્ટિ ઉર્ફે પુરી કારાવદરા નામની બીજા ધોરણમાં અભ્યાસ કરનારી સગીરાની તેના જ પાડોશમાં રહેતા ૬૫ વર્ષીય લાલજી પંડ્યા દ્વારા છરીના આડેધડ ઘા ઝિંકીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતકની માતા શાંતાબેન કારાવદરા દ્વારા જામનગર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૨ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સંતાનમાં ત્રણ દીકરી છે. સૌથી નાની દીકરી દ્રષ્ટિ ઉર્ફે પૂરી ધોરણ ૨માં અભ્યાસ કરતી હતી. મંગળવારના રોજ દ્રષ્ટી ઉર્ફે પૂરી પાડોશમાં રહેતા તેમજ ડ્રાઇવિંગ કામ કરનારા લાલજી પંડ્યાને ત્યાં ટિફિન આપવા માટે ગઈ હતી. પરંતુ થોડીક વારમાં મોટી દીકરી પ્રગતિ ઉર્ફે ટીટુએ ફોન કરીને જાણ કરી હતી કે, દ્રષ્ટિ ઉર્ફે પૂરીને દાદાએ છરીના ઘા મારી નાસી ગયા છે. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં દ્રષ્ટિ ઉર્ફે પૂરીને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. દ્રષ્ટિને છાતીના ભાગે તેમજ વાસાના ભાગે ૧૦થી ૧૨ ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
લાલજી પંડ્યા મૂડ ખંભાળિયાનો વતની છે અને તે છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી મૃતક દૃષ્ટિ ઉર્ફે પૂરીના પિતા રાજેશ કારાવદરાના પરિચયમાં છે. જે તે સમયે લાલજી પંડ્યા ભાડાનું મકાન શોધતો હતો તેથી મૃતકના પિતાએ જ તેને ભાડાનું મકાન અપાવ્યું હતું. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે ઘર જેવા સંબંધો હતા. લાલજી ઉર્ફે પંડ્યા મૃતકના ઘરે જ જમતો હતો. જોકે થોડા સમયથી લાલજી પંડ્યાનું વર્તન સારું ન હોવાથી મૃતકના પરિવારજનોએ તેને ઘરે જમવા આવવાની ના પાડી હતી પરંતુ તેના ઘરે ટિફિન આપવામાં આવતું હતું.
ડીવાયએસપી જામનગર જયવીર સિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે બાર વર્ષીય સગીરા પોતાના પાડોશમાં રહેતા લાલજી પંડ્યાને ત્યાં ટિફિન આપવા માટે ગઈ હતી. ત્યારે લાલજી પંડ્યા દ્વારા સગીરા પર તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકીને તેને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. સારવાર માટે તને હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતકના પિતા તેમજ સસ્પેક્ટ આરોપી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને પરિવારો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે કયા કારણોસર ૧૨ વર્ષીય સગીરાની હત્યા કરવામાં આવી તે અંગે આરોપીના ઝડપાયા બાદ સામે આવી શકશે. આરોપી અગાઉ તેની પત્નીના મર્ડરના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તે પ્રકારની વિગત પણ મળી રહી છે. જોકે, તે બાબતને પોલીસ દ્વારા વેરીફાઈ કરવામાં આવી રહી છે.