અચાનક મુખ્યમંત્રી બદલાયા તે મારા ઉપર બોમ્બ પડવા જેવું હતું,અનિલ વિજ

ચંદીગઢ, હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન તૂટ્યા બાદ નાયબ સિંહ સૈનીના સીએમ બનવાથી પૂર્વ ગૃહમંત્રી અનિલ વીજ નારાજ છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે રાજ્યના નેતૃત્વમાં ફેરફાર અંગે તેમને અગાઉથી કોઈ સૂચના નહોતી. જ્યારે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય સંભળાવવામાં આવ્યો ત્યારે તે મારા ઉપર બોમ્બ પડવા જેવું હતું. કેબિનેટમાં સામેલ થવાની ઈચ્છા અંગે વિજે કહ્યું કે આ એક હાઈપોથેટિકલ સવાલ છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય નેતૃત્વના પણ ઘણા નેતાઓએ વિજને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ન માન્યા. તેઓ આજે કેબિનેટ વિસ્તરણમાં પણ સામેલ નહોતા થયા. જો કે, આ અગાઉ ૧૨ માર્ચે જ્યારે ખટ્ટરના રાજીનામા બાદ સૈની રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે વિજનું નામ પણ મંત્રીઓની યાદીમાં હતું.

અનિલ વિજ અંબાલા કેન્ટ નિવાસ સ્થાનથી ચંદીગઢ સ્થિત હરિયાણા વિધાનસભા પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે સંબોધન બાદ તેઓ સીધા સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાની ઓફિસ ગયા હતા. સ્પીકર ત્યાં સુધી કાર્યાલયમાં નહોતા આવ્યા. વિજે તેમને ફોન કરીને જાણ કરી અને થોડી વાર પછી સ્પીકર પણ આવી ગયા. વિજ ૧૨ માર્ચથી જ નારાજ ચાલી રહ્યા છે. આ ઘટના બાદ વિજ ૨ વખત સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાને ફોન કરીને તેમને વિધાનસભાની કમિટીઓમાં સભ્ય તરીકે સામેલ કરવાનો આગ્રહ કરી ચૂક્યા છે. સ્પીકરે હજુ સુધી તેમને કોઈ પણ કમિટીમાં સામેલ નથી કર્યા. આ જ કારણોસર તેઓ મંગળવારે સ્પીકરને મળવા વિધાનસભા પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ ચા પીધી અને વાતચીત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે હવે વિજને વિધાનસભાની કમિટીઓમાં સામેલ કરવામાં આવશે.

વિજે કહ્યું કે તેમણે સ્પીકરને આગ્રહ કર્યો છે કે મને વિધાનસભાની કમિટીઓમાં સામેલ કરો. ત્યારબાદ હું દર મંગળવાર અને બુધવારે કમિટીની બેઠકમાં સામેલ થવા માટે ચંદીગઢ આવીતો રહીશ. વિધાનસભાની કમિટીઓમાં સામેલ થયા બાદ જ આવવા-જવાનો રસ્તો મળશે. મીટિંગમાં આવવા પર ટીએ ડીએ તો મળશે. નહીંતર મારી તો મૂવમેન્ટ જ બંધ થઈ જશે. સ્પીકર સાથે મુલાકાત પહેલા વાતચીતમાં વિજે કહ્યું કે તેમને કેબિનેટ વિસ્તરણ અંગે કોઈ સૂચના નથી. મુખ્યમંત્રીના બદલાવ અને સરકારમાં ફેરફારને લઈને તેમની નારાજગી અંગેના સવાલ પર વિજે કહ્યું કે, હું નારાજ નથી. હું ભાજપનો અનન્ય ભક્ત છું અને હવે પહેલા કરતા પણ વધુ પાર્ટી માટે કામ કરીશ. હું નારાજ નથી થતો. હું સ્પષ્ટવાદી છું.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે પંચકુલામાં નાડા સાહિબ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યા બાદ બાય-રોડ ઘરૌંડા પહોંચ્યા હતા. અંબાલામાં નાયબ સૈનીનો રોડ-શો કાર્યક્રમ હતો. વિજ તેમાં નહોતા પહોંચ્યા. એવી ચર્ચા હતી કે મુખ્યમંત્રી અંબાલામાં પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ સાથે મુલાકાત કરવા તેમના ઘરે પણ જઈ શકે છે પરંતુ મુખ્યમંત્રી સીધા જ ઘરૌંડા પહોંચ્યા. વિજે આ સવાલ પર કહ્યું કે, મારી મુખ્યમંત્રી સાથે કોઈ વાત નથી થઈ. હું ઘરે જ હતો. જો તેઓ આવ્યા હોત, તો મેં તેમને ચા પીવડાવી હોત. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વના પ્રયાસોનું પણ જ્યારે કોઈ પરિણામ ન આવ્યું ત્યારે સરકારે વિજ વગર જ કેબિનેટ વિસ્તરણ કરી દીધું.