ગોધરા, ગોધરાનાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગોધરા સબ જેલ ખાતે કેદીઓ માટે કેદી સહાય યોજનાની માહિતી આપવા માટે શિબિર યોજવામાં આવી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરાનાં સચિવ ડી.સી. જાની નાં માર્ગદર્શન તેમજ સમાજ સુરક્ષા અધિકારી પી.એમ.સોલંકી ની નિગરાની હેઠળ ગોધરા સબ જેલ ખાતે કેદીઓ માટે કેદી સહાય યોજના ની માહિતી આપવા હેતુસર શિબિર યોજવામાં આવી હતી. જે શિબિરમાં ગોધરા સબ જેલ નાં જેલર પણ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત જે કેદીઓ ને આ યોજનામાં સહાય મળે છે તેવા કેદીઓએ અન્ય કેદીઓ ને પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેદી સહાય યોજના એટલે જ્યારે કોઈ ગુનેગાર વ્યક્તિઓ જે કોઈ પણ પરિસ્થિતિ ને કારણે ગુન્હો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા હોય અને તેમના જેલમાં જવાથી તેમના કુટુંબ પર આર્થિક મુશ્કેલી આવી પડી હોય તેવા કિસ્સાઓમાં કુટુંબના કમાઉ વ્યક્તિ તરીકે જેલમાં જતાં તેમના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે. 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલી હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ ને આ લાભ મળવાપાત્ર છે. રૂ.25,000 ની આર્થિક સહાય સાધન સ્વરૂપે આપવામાં આવે છે અને આ યોજનાનું સમગ્ર માર્ગદર્શન જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવે છે.