વોશિગ્ટન, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા છે. હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ આપણી લોકશાહી અને મૂળભૂત સ્વતંત્રતા માટે વધુ ખતરારૂપ છે.’ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા આ ટ્વીટ કર્યું. વધુમાં તેમણે લખ્યું કે ‘પ્રમુખ જો બિડેન અને હું રોને પુન:સ્થાપિત કરીશું, મતદાનના અધિકારોનું રક્ષણ કરીશું. અને અમેરિકામાં વધતા ગન કલ્ચર પર વધુ યાન આપીશું.’
જણાવી દઈએ કે અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની રેસમાં રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. અમેરિકામા રાષ્ટ્રપતિની ચૂંટણી કમલા હેરિસ, બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચાસ્પદ નેતા છે. જો બાઈડેનની બીમારીને લઈને અનેક અફવાઓ મીડિયામાં જોવા મળી રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને રાષ્ટ્રપતિ પદ માટે વધુ દાવેદાર હોવાનું કહી રહ્યા છે. ત્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાયું છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને લોકશાહી અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ‘ખતરો’ ગણાવ્યા અને રો વિ. વેડને પુન:સ્થાપિત કરવા, મતદાનના અધિકારોનું રક્ષણ કરવા અને બંદૂકની હિંસાનાં મુદ્દાઓને સંબોધવા વચન આપ્યું.
રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રચાર પ્રવક્તા જેમ્સ સિંગરે કહ્યું હતું કે ટ્રમ્પ ૬ જાન્યુઆરીની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગે છે. કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘જો હવે હું ચૂંટાયો નહીં તો અહીં રક્તપાત થશે. ઓછામાં ઓછું આ થશે. દેશ માટે રક્તપાત થવાનો છે. વર્ષ ૨૦૨૧ માં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા, ત્યારે લોકોનું ટોળું ૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ કેપિટોલ હિલ (યુએસ સંસદ સંકુલ) માં બળજબરીથી પ્રવેશ્યું. આ સમગ્ર ઘટનામાં ઓછામાં ઓછા ૧૦૦ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. ઉપરાંત, રમખાણો દરમિયાન અને પછી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા.
કમલા હેરિસ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. ૨૦૨૦ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને હરાવીને કમલાનું જાન્યુઆરી ૨૦૨૧ માં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. કમલા હેરિસની ભાષણ આપવાની છટા ખૂબ જ અનોખી છે. તેમની ભાષણમાં ધૈર્યની સાથે કઠોર વાતને સ્પષ્ટ રીતે કહેવાની આવડત પણ કાબિલેતારીફ છે. કમલા હેરિસ અને જો બાઇડને કોરોના મહામારીના કટોકટીભર્યા સમયમાં દેશને બહાર કાઢવાના પડકારમાં પ્રસંશનીય કામગીરી કરી હતી. કમલા હેરિસની કામ કરવાની શૈલીના કારણે જ જો બાઈડેને તેમને ઉપરાષ્ટ્રપતિના પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.