ગાંધી પરિવારની પરંપરાગત બે બેઠક પર હવે કોંગ્રેસને રસ નથી? પ્રિયંકા-રાહુલ હજુ મૂંઝવણમાં

મુંબઇ, રાહુલ ગાંધીની વાયનાડથી ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. અમેઠીથી મોહભંગ થવાનું કારણ ૨૦૧૯ની હાર ગણી શકાય, પરંતુ જો સોનિયા ગાંધી રાયબરેલીની જીતેલી બેઠક પરથી ઉંમર અને તબિયતના કારણે પાછળ રહી ગયા તો પછી આવનારી પેઢી વારસો સંભાળવા આગળ આવતાં કેમ ખચકાય છે? ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીની નજરથી કોંગ્રેસ માટે રાયબરેલી સીટનું મહત્વ ફક્ત આજ કારણે નથી કે, ગાંધી પરિવારનો તેમની સાથે પીઢીઓનો સંબંધ છે. બીજું મોટું કારણ એ છે કે, ૨૦૧૯ની મોદી લહેરમાં પણ ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી આ એકમાત્ર બેઠકે લોક્સભામાં રાજ્યમાંથી કોંગ્રેસની હાજરી જાળવી રાખી હતી.

વિજયનું નિર્ણાયક કારણ તે વિસ્તાર પર ગાંધી પરિવારની પકડ ગણી શકાય. પરંતુ એવા સંજોગોમાં જ્યારે ઉત્તર પ્રદેશની સ્થિતિ કોંગ્રેસ માટે બહુ સાનુકૂળ જણાતી નથી, ત્યારે ગાંધી પરિવાર શા માટે પોતાનો પરંપરાગત પ્રભાવ ધરાવતી રાયબરેલી અને અમેઠી બેઠકોથી દૂર રહેવાનું મોટું જોખમ લઈ રહ્યું છે? અગાઉ એવી અટકળો હતી કે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ બંને નેતાઓ આ બેઠકો પરથી ચૂંટણી લડશે નહીં.સોનિયા ગાંધી તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયા છે. પરંતુ રાયબરેલીમાં ૨૦૧૯ની જીત બાદથી તેમની હાજરી નહિવત રહી છે. તે છેલ્લે રાયબરેલીમાં ક્યારે આવ્યા હતા તે પણ પ્રશ્ર્નો છે. જો કે, સોનિયા ગાંધીનુ રાયબરેલીમા ના આવવાનુ કારણ તેમની ખરાબ તબિયત હોવાનું કહેવાય છે. પણ શું આ એકમાત્ર કારણ છે? તબિયત ખરાબ હોવા છતાં તે પાર્ટીના અનેક કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળે છે.

રાયબરેલીમાં છેલ્લી ચાર લોક્સભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે દર્શાવે છે કે, તેમની મત ટકાવારી સતત ઘટી રહી છે. ૨૦૦૪માં તેમને ૮૦.૪૯ ટકા મત મળ્યા હતા, જે ૨૦૦૯માં ઘટીને ૭૨.૨૩ ટકા, ૨૦૧૪માં ૬૩.૮૦ ટકા અને ૨૦૧૯માં ૫૫ ટકા થઈ ગયા હતા. ૨૦૧૯ માં લોક્સભા સીટ જીતવા છતાં, ૨૦૨૨ ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ રાયબરેલીની તમામ ૫ વિધાનસભા બેઠકો હાર્યા હતા. આ પાર્ટી આમાંથી એક પણ બેઠક પર મુખ્ય હરીફાઈમાં ઉતરી શકી નથી.

તેના ઉમેદવારો ચાર મતવિસ્તારમાં ત્રીજા અને એકમાં ચોથા ક્રમે રહ્યા હતા. તમામ સીટો પર કોંગ્રેસનો વોટ શેર ૧૩.૨% હતો જ્યારે સપાનો વોટ શેર ૩૭.૬% અને ભાજપનો વોટ શેર ૨૯.૮% હતો. આ ચૂંટણીમાં સપાએ ચાર અને ભાજપે એક બેઠક જીતી હતી. શું રાયબરેલીમાં લોક્સભાની ચૂંટણીમાં ઘટી રહેલા મતો અને વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર ગાંધી પરિવારના રાયબરેલી પ્રત્યેના મોહભંગનું કારણ હોઈ શકે?

રાયબરેલી હજુ પણ ગાંધી પરિવારના પ્રભાવ હેઠળ છે. તેમની ઓળખ આ પરિવાર સાથે જોડાયેલી છે અને અહીંના લોકોમાં આજે પણ આ લાગણી પ્રબળ છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, પરંતુ લોક્સભાની ચૂંટણીમાં મતદારોએ ગાંધી પરિવારમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા અને લોક્સભાની ચૂંટણી અલગ-અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે. પ્રિયંકા ગાંધી સૌપ્રથમ ૧૯૯૯ માં અમેઠીમાં તેમની માતા સોનિયા ગાંધી અને તેમના પિતા રાજીવ ગાંધીના અનુગામી કેપ્ટન સતીશ શર્મા માટે રાયબરેલીમાં પ્રચારમાં સક્રિય થયા હતા. ૨૦૦૪માં સોનિયાએ રાહુલ ગાંધી માટે અમેઠી સીટ છોડી અને રાયબરેલી ગયા.ત્યારથી પ્રિયંકા ગાંધી રાયબરેલીના ચૂંટણી સંચાલનનું યાન રાખતી હતી. અગાઉ તેમની ભૂમિકા પારિવારિક બેઠકો અમેઠી અને રાયબરેલી સુધી મર્યાદિત હતી.

પ્રિયંકા ગાંધી ૨૦૧૯ થી રાજકારણમાં ઔપચારિક રીતે સક્રિય છે. સોનિયા ગાંધી પ્રત્યક્ષ ચૂંટણીમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે. પરિવારની પરંપરાગત રાયબરેલી બેઠક ખાલી છે. દેશની પાંચમાંથી ચાર વિધાનસભા બેઠકો ધરાવતી સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તો પછી રાયબરેલીના ચૂંટણી જંગમાં પ્રિયંકા કે, રાહુલ ઉતરે તેમાં મૂંઝવણનું કારણ શું હોઈ શકે?

અલબત્ત, ગાંધી પરિવારે રાયબરેલીને મોટી રાજકીય ઓળખ આપી છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસની મજબૂત હાજરી છે, રાયબરેલી અને અમેઠીનું વિશેષ સ્થાન છે. પરંતુ આ બંને વિસ્તારોમાં ભાજપ છેલ્લા ઘણા સમયથી પોતાની જમીન મજબૂત કરવામાં વ્યસ્ત છે.તેણે ૨૦૧૪માં અમેઠીમાં કઠિન પડકાર રજૂ કર્યો અને તેને ૨૦૧૯માં જીતમાં પરિવતત કર્યો. ૨૦૧૯ માં રાયબરેલીમાં ભાજપ હારી ગયું હોવા છતાં, તેણે ૨૦૧૪ ની તુલનામાં સોનિયાની લીડ ઘટાડીને ખતરાની ઘંટડી વગાડી દીધી. ૨૦૧૪માં રાહુલ સામે હાર્યા બાદ પણ સ્મૃતિ ઈરાનીને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં રાયબરેલીમાં સોનિયાને અસફળ પડકાર ફેંકનાર દિનેશ પ્રતાપ સિંહને યોગી કેબિનેટમાં સ્થાન આપીને મતદારોને એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે, ભાજપ જિલ્લાના વિકાસને લઈને સજાગ છે.