બિગ બોસ ઓટીટી- ૨નો વિનર અને જેલમાં બંધ એલ્વિશ યાદવ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

મુંબઇ, બિગ બોસ ઓટીટી- ૨નો વિનર અને સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. સાપોના ઝેરની સપ્લાઈ કેસમાં નોઈડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે ગુરુગ્રામ પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રવિવારે સાપના ઝેરની સપ્લાઈના કેસમાં ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવેલા યુટ્યુબર સામે નોઇડા પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે ગુરુગ્રામ પોલીસે પણ કડક કાર્યવાહી કરતા મારપીટના કેસમાં પ્રોડક્શન વોરંટ દ્વારા કન્ટેન્ટ સર્જક મેક્સટર્નની ધરપકડ કરવાની તૈયારી શરુ કરી દીધી છે.

એલ્વિશ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેન્ટ ક્રિએટર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુંસાર આ કેસમાં તે આરોપી છે, જેથી પોલીસ ટૂંક સમયમાં ગાઝિયાબાદ કોર્ટમાં પ્રોડક્શન વોરંટ પર તેની ધરપકડ કરવા અરજી દાખલ કરશે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાપોના ઝેરની સપ્લાઈના કેસમાં તેની ધરપકડ કરીને સુરજપુર કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યાથી તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.