સુપ્રીમ કોર્ટે સીએએ વિરુદ્ધ દાખલ અરજીઓ પર કેન્દ્ર પાસેથી ૮ એપ્રિલ સુધી જવાબ માંગ્યો

નવીદિલ્હી, નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને ૮ એપ્રિલ સુધીનો સમય આપ્યો છે અને સુનાવણીની આગામી તારીખ ૯ એપ્રિલ નક્કી કરી છે. અરર્જીક્તાઓએ કોર્ટ પાસે નાગરિક્તા કાયદાના અમલ પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આવો કોઈ આદેશ આપ્યો ન હતો. સીએએ વિરુદ્ધ ૨૦૦ થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરી હતી.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. તુષાર મહેતાએ બેન્ચને અપીલ કરી હતી કે ૨૦ અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય જરૂરી છે. મહેતાએ એમ પણ કહ્યું કે આ કોઈ વ્યક્તિની નાગરિક્તા છીનવી લેવા માટે નથી.

૧૧ માર્ચે ગૃહ મંત્રાલયે નાગરિક્તા સંશોધન કાયદાના નિયમોને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદા હેઠળ, ધર્મના આધારે અત્યાચારનો સામનો કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા લઘુમતી સમુદાયના શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, નાગરિક્તા સંશોધન કાયદા હેઠળ ફક્ત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોને જ ભારતીય નાગરિક્તા આપવામાં આવી શકે છે. મુસ્લિમ સમુદાયના શરણાર્થીઓને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. મુસ્લિમોને કાયદાથી દૂર રાખવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. કાયદાનો વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે આ કાયદાનો આધાર ધર્મ છે, જે દેશના બંધારણની વિરુદ્ધ છે.