ગાઝા, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલને નિશાન બનાવી હતી. મળતી માહિતી અનુસાર હમાસ શાસિત વિસ્તારમાં સૌથી મોટા મેડિકલ સેન્ટર પર ટેક્ધ અને હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ જગ્યા દર્દીઓ અને વિસ્થાપિત લોકોથી ભરેલી છે.ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ’હમાસના વરિષ્ઠ આતંકવાદીઓ’ને નિશાન બનાવતા દરોડા દરમિયાન ૨૦ પેલેસ્ટિનિયન ઓપરેટિવ માર્યા ગયા હતા અને ઘણાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ આ હુમલાને લઈને એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં કહેવાયું હતું કે ઓપરેશન દરમિયાન અમે ૨૦૦થી વધુ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું, ’અમે હોસ્પિટલ સંકુલની અંદર ૨૦થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ૨૦ વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.’ મૃતકોમાં ફૈક અલ-મભૌહનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય માહિતી મળી છે તેમાં ગાઝા પોલીસના એક સૂત્રએ પુષ્ટિ કરતા કહ્યું કે, મબૌહ ફોર્સમાં બ્રિગેડિયર જનરલ હતા.
ઈઝરાયેલની સેનાએ ગત નવેમ્બરમાં અલ શિફા હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. સેનાએ તે સમયે દાવો કર્યો હતો કે હમાસે હોસ્પિટલની અંદર અને નીચે કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. સેનાએ ભૂગર્ભ તરફ દોરી જતી એક સુરંગ પણ શોધી કાઢી હતી અને હોસ્પિટલની અંદરથી હથિયારો મળી આવ્યા હતા. જો કે, દાવાઓની તુલનામાં પુરાવાના અભાવને કારણે ટીકાકારોએ સૈન્ય પર નાગરિકોના જીવનને જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું કે લગભગ ૩૦ હજાર લોકો હોસ્પિટલમાં આશ્રય લઈ રહ્યા છે, જેમાં દર્દીઓ, તબીબી સ્ટાફ અને સલામતીની શોધમાં ઘર છોડીને ભાગી ગયેલા લોકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં આશરો લઈ રહેલા લોકોએ જણાવ્યું કે ટેક્ધ અને ભારે હથિયારોથી સજ્જ ઈઝરાયેલી દળોએ હોસ્પિટલ સંકુલને ઘેરી લીધું અને સેનાએ હોસ્પિટલની અંદર રહેલા લોકો પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે સેનાએ અનેક ઈમારતોને નિશાન બનાવી અને ડઝનબંધ લોકોની અટકાયત કરી.