ભાજપ અને પીએમકે વચ્ચે લોક્સભા ચૂંટણી માટે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા

  • છેલ્લા ૧૦ વર્ષથી પીએમકે દિલ્હીમાં એનડીએનો ભાગ છે,પીએમકેના પ્રમુખ રામદોસ

ચેન્નાઇ, તમિલનાડુ પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે) એ લોક્સભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ જાહેરાતના એક દિવસ બાદ તમિલનાડુ ભાજપના અયક્ષ કે. અન્નામલાઈએ પીએમકે પ્રમુખ અંબુમણિ રામાદોસ સાથે બેઠક વહેંચણી અંગે બેઠક યોજી હતી. બંને નેતાઓએ થૈલાપુરમમાં બેઠક વહેંચણી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

સીટ સમજૂતી બાદ પીએમકેના પ્રમુખ રામદોસે કહ્યું, છેલ્લા ૧૦ વર્ષથી પીએમકે દિલ્હીમાં એનડીએનો ભાગ છે. આજે પીએમકેએ તમિલનાડુમાં એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે ખુશ છીએ. કે અમે તમિલનાડુમાં પરિવર્તન માટે એનડીએમાં જોડાયા છીએ.

તેમણે વધુમાં કહ્યું, છેલ્લા ૫૭-૫૮ વર્ષોમાં જોયું છે કે પાર્ટીઓએ તમિલનાડુ પર શાસન કર્યું છે અને તેને બરબાદ કરી દીધું છે. અહીંના લોકો અને અમે પણ પરિવર્તન ઈચ્છીએ છીએ. પીએમ મોદી ત્રીજી વખત ફરીથી વડાપ્રધાન બનશે અને ભારતને ફરીથી સત્તામાં લાવશે. તેને નવી ઉંચાઈઓ પર લઈ જશે. પીએમકેને તમિલનાડુમાં દસ સંસદીય મતવિસ્તારો ફાળવવામાં આવ્યા છે અને અમને વિશ્ર્વાસ છે કે અમે તમિલનાડુ તેમજ ભારતમાં આગામી ચૂંટણીઓમાં મોટી જીત મેળવીશું.

સીટની વહેંચણી બાદ હવે પીએમકેના નેતાઓ સાલેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે પીએમકેએ લોક્સભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું કે ઉમેદવારોના નામની જાહેરાત પીએમકેના સ્થાપક રામદાસ કરશે. તમિલનાડુમાં ભાજપ કોઈપણ મોટા ગઠબંધન વિના ચૂંટણી લડી રહી છે. લોક્સભા ચૂંટણી પહેલા પીએમ મોદી પાંચ વખત તમિલનાડુની મુલાકાત પણ લઈ ચુક્યા છે.

ચૂંટણી પંચે શનિવારે લોક્સભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. લોક્સભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. ૪ જૂને પરિણામ જાહેર થશે. પીએમ મોદીએ લોક્સભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધન (એનડીએ) માટે ૪૦૦થી વધુ બેઠકો અને એકલા ભાજપ માટે ૩૭૦થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.————-