લોક્સભાની ચૂંટણી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ, ટીએમસી

કોલકતા,ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને માંગ કરી છે કે લોક્સભાની ચૂંટણી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. તેમણે કહ્યું કે ભાજપ લોક્તાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. ડેરેક ઓ’બ્રાયને ચૂંટણી પંચ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ડેરેક ઓ’બ્રાયને મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આરોપો લગાવ્યા હતા. આ પોસ્ટમાં ડેરેક ઓ’બ્રાયને લખ્યું છે કે ’ભાજપ ભારતમાં ચૂંટણી પંચ જેવી સંસ્થાઓને સસ્તા માધ્યમથી નષ્ટ કરી રહી છે. શું ભાજપ લોકોનો સામનો કરવાથી ડરે છે અને તેથી જ તેમણે વિપક્ષને નિશાન બનાવવા માટે ચૂંટણી પંચને પોતાની પાર્ટી ઓફિસમાં ફેરવી દીધું છે?

ડેરેક ઓ’બ્રાયને લખ્યું કે ’રાજ્ય સરકારના ચૂંટાયેલા અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પર નિષ્પક્ષ અને મુક્ત મતદાન માટે દેખરેખ રાખે. નોંધનીય છે કે ચૂંટણી પંચે સોમવારે પોતાના એક આદેશમાં પશ્ર્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમાર સહિત ઘણા રાજ્યોના ગૃહ સચિવોની બદલી કરી દીધી છે. ચૂંટણી પંચે વિવેક સહાયને નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ બંધારણીય સંસ્થાઓને નિયંત્રિત કરવા માંગે છે.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સામાન્ય ચૂંટણીઓ કરાવવાની ડેરેક ઓ’બ્રાયનની માંગ પર ભાજપના પ્રદેશ અયક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે ’ડેરેક ઓ’બ્રાયન અને તેમની પાર્ટીના નેતાઓ નવું બંધારણ બનાવવા માંગે છે. દેશમાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. તે રાજ્ય ચૂંટણી પંચની જેમ કામ કરશે નહીં, જે મમતા બેનર્જી જે કહેશે તે કરશે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે સોમવારે પશ્ર્ચિમ બંગાળના ડીજીપી સહિત છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દીધા હતા. જે રાજ્યોમાં ગૃહ સચિવોને હટાવવામાં આવ્યા છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. પંચે બીએમસી કમિશનર અને મિઝોરમના એક આઇએએસ અધિકારીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. બીએમસીએ એક દિવસ પહેલા ચૂંટણી પંચને બીએમસી કમિશનરને ટ્રાન્સફરમાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ ચૂંટણી પંચે આ અપીલને ફગાવી દીધી હતી. દૂર કરાયેલા અધિકારીઓએ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી કાર્યાલયમાં બેવડો હવાલો સંભાળ્યો હતો.