2022માં શહેરા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ચુટણી લડી ચુકેલા ખાતુભાઈ પગીએ 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમા પુન: પ્રવેશ કરીને ઘરવાપસી

શહેરા,પંચમહાલ જીલ્લામા શહેરા વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસમાં લોકસભાની ચુટણી પહેલા ગાબડુ પડ્યુ છે.જેમા 2022ની વિધાનસભાની ચુટણી લડી ચુકેલા ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભાજપા દ્વારા ટીકીટ ન મળતા નારાજ થઈ કોંગ્રેસમા જઈ વિધાનસભાની ચુટણી લડનારા ખાતુભાઈ ગુલાબભાઈ પગી ફરી ભાજપમા જોડાઈ જતા શહેરાની રાજનીતીમા ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ખાતુભાઈ સાથે 200 જેટલા કાર્યકરો પુન: ભાજપામા જોડાઈ ગયા હતા,કોબા ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સૌ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમા સ્વાગત કર્યુ હતું.

લોકસભાની ચુટણીની જાહેરાત થઈ ચુકી છે. ગુજરાતમા ત્રીજા તબ્બકામા મતદાન યોજાવાનુ છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને અન્ય પક્ષ માંથી ભાજપમા જવાનો ભરતી મેળો ચાલુ છે. પંચમહાલ જીલ્લાના અતિમહત્વની ગણાતી શહેરા વિધાનસભામા કોંગ્રેસ પક્ષના વધુ એક ઝટકો મળ્યો છે. જેમાં 2022ની ચુટણીમાં કોગ્રેસ માંથી ઉમેદવારી કરનારા અને શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુભાઈ ગુલાબસિંહ પગી ફરી ભાજપામા જોડાઈ ઘરવાપસી કરી છે.ખાતુભાઈ પગી દ્વારા 2022માં શહેરા વિધાનસભા ચુટણી માટે ટીકીટ માગી હતી, પણ તેમને ટીકીટ આપવામા આવી ન હતી. આથી તેઓ પાર્ટીથી નારાજ થઈ જતા તેઓ કોંગ્રેસપક્ષમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસે ટીકીટ આપતા તેઓ શહેરા વિધાનસભામાંથી ઉમેદવારી નોધાવી હતી પણ તેમનો પરાજય થયો હતો.

ખાતુભાઈ પગી ભાજપા સાથે જોડાયેલા હતા. તેઓ જીલ્લા પંચાયતના સદસ્ય,તેમજ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે. હાલમાં લોકસભાની ચુટણી સામે આવીને ઉભી છે,શહેરા તાલુકામાંથી 200 જેટલા કાર્યકરો પણ ફરી ભાજપામા જોડાઈ ગયા હતા. ગાંધીનગર કોબા ખાતે આવેલા કમલમ કાર્યાલયમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ખાતુભાઈ પગી સહિત આગેવાનોને ભાજપાનો ખેસ પહેરાવીને પુન: સ્વાગત કરવામા આવ્યું હતું. ખાતુભાઈ પગી સાથે અન્ય કાર્યકરો આગેવાનો અનોપસિંહ સોલંકી વિક્ર્રમસિહ પગી, કિરણસિંહં પગી, બહાદુરસિંહ સોલંકી સહિતનાઓ પણ જોડાયા હતા. આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, નરેન્દ્ર મોદીજીની વિકાસની રાજનીતીથી પ્રેરાઈ અમે ફરી ભાજપામા જોડાઈ ગયા છે.

નોધનીય છે કે, ભાજપ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક માટે રાજપાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા હજી નામ જાહેર કરાવાનુ બાકી છે. નામ જાહેર થયા બાદ જ ખરાખરીનો જંગ પંચમહાલ લોકસભા બેઠક પર જામશે.