મહીસાગર,મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, મહીસાગર જીલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, તથા જાહેર સ્થળો હોય તેવા તમામ આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પ્રવૃતિમાં રાજકીય ચર્ચા, ટેલીફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતી સહીતની બાબતોનો સમાવેશ થશે.
વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધારી પક્ષોના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષોના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેવાનો રહેશે પરંતુ કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક(તેની સાથે જોડાયેલ આંગણા)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ – મંજુરી આપી શકાશે નહીં ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકશે. જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહીં.
એક જ વ્યકિતને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ(ણ) કક્ષાની કે જે તે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્રસરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકશે નહી.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.