ફાઈનલ મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને ૮ વિકેટથી હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યા

મુંબઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૪ સીઝનમાં ઈતિહાસ રચી દીધો છે. ફાઈનલ મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને ૮ વિકેટથી હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યો હતો. સ્મૃતિ મંધાનાના સુકાન હેઠળની આરસીબી ટીમની છોકરીઓએ એ કરી બતાવ્યું જે વિરાટ કોહલી એન્ડ બ્રિગેડ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬ સીઝનમાં પણ ન કરી શક્યા.

ડબ્લ્યુપીએલની આ બીજી સિઝન હતી, જે આરસીબી જીતી ગઇ છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. બંને વખત દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આરસીબીની મહિલા ટીમના ખિતાબ જીતવાની સાથે જ આઈપીએલમાં કોહલી અને બ્રિગેડ પર દબાણ વધશે તે ચોક્કસ છે.

ખરેખર આઇપીએલમાં અત્યાર સુધી ૧૬ સિઝન રમાઈ ચૂકી છે અને આરસીબીની ટીમ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. વિરાટ કોહલીએ ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી આરસીબીની કેપ્ટનશીપ કરી હતી. આ સમયગાળા દરમિયાન, આરસીબી માત્ર એક જ વાર આઇપીએલ ફાઈનલ રમી શકી છે. અત્યાર સુધી, આરસીબી ૩ વખત (૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬) આઇપીએલમાં ફાઈનલ રમી ચૂકી છે, પરંતુ દરેક વખતે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી સીઝનમાં જ આરસીબીની મહિલા ટીમે ખિતાબ પોતાના નામે કર્યો છે. છોકરીઓની આ સફળતાએ પુરૂષોની ટીમ પર પણ દબાણ વધારી દીધું છે.

આઈપીએલમાં ત્રણ વખત ફાઈનલ રમવા સિવાય આરસીબી ટીમ ૫ વખત પ્લેઓફ પણ રમી છે. પરંતુ દરેક વખતે આ ટીમ કમનસીબ સાબિત થઈ છે. કોહલીએ સુકાનીપદ છોડ્યા બાદ હાલમાં ફાફ ડુ પ્લેસીસ કમાન સંભાળી રહ્યો છે. છોકરીઓની આ સફળતા બાદ હવે ચાહકોને આઈપીએલમાં પણ આરસીબી પાસેથી ઘણી આશાઓ છે.

વુમન્સ પ્રીમિયર લીગ ૨૦૨૪ની ફાઇનલમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી આખી ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૧૩ રન પર જ સિમિત થઈ ગઈ હતી. દિલ્હી માટે શેફાલી વર્માએ ૨૭ બોલમાં ૪૪ રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે ૨૩ રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે ૪ અને સોફી મોલિનેક્સે ૩ વિકેટ લીધી હતી.