મોરબી, કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે વધુ એક વખત કાજલ હિંદુસ્તાની સામે વિવાદિત નિવેદનને લઇને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે વિવાદિત નિવેદન આપવાને લઇને ફરિયાદ નોંધાઇ છે. કાજલ હિન્દુસ્તાનીએ પોતાના એક વક્તવ્ય દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. જેના પગલે પાટીદાર આગેવાન મનોજ પનારાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની સામે એસપીજીએ વિરોધ નોંધાવ્યો છે. એસપીજીના અયક્ષ લાલજી પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે તો તેમણે વિચારીને બોલવું જોઈએ. જાહેરમાં તેઓ દીકરીઓને બચાવવાની વાત કરતા હોય અને આ પ્રકારની ટિપ્પણી કરે તે યોગ્ય નથી.
લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનની ટિકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરવામાં આવશે.
મહત્વનું છે કે સ્વયં ઘોષિત હિન્દૂ નેતાની ઓળખ પામેલા અને વારંવાર ચર્ચામાં આવતા હિન્દૂ નેતા કાજલ હિંદુસ્તાનીએ તેના ટ્વિટર બાયોડેટામાં જણાવ્યા પ્રમાણે તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યર્ક્તા, રાષ્ટ્રવાદી છે. સાથે જ તે પોતાને ગૌરવપૂર્ણ બારતીય રાષ્ટ્રવાદી તરીકે પણ ઓળખાવે છે.