અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં સુપ્રીમે આરોપી ક્રિશ્ચિયન મિશેલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે અગસ્તા વેસ્ટલેન્ડ કેસની સુનાવણી કરી. વાસ્તવમાં, આ કેસના આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ર્ચિયન મિશેલની અરજી પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેલમાંથી તાત્કાલિક મુક્ત થવાની વાત કરવામાં આવી હતી. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે તમે પીઆઇએલ દાખલ કરી શક્તા નથી. તમને જણાવી દઈએ કે આરોપી મિશેલે જીવન અને સ્વતંત્રતાના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ અરજીમાં મિશેલે કહ્યું હતું કે હું ૫ વર્ષ અને ૩ મહિના જેલમાં વિતાવી ચૂક્યો છું, જ્યારે દોષી સાબિત થવા પર મહત્તમ સજા માત્ર ૫ વર્ષની છે.આ કેસની તપાસ હજુ પૂરી થઈ નથી. તેમજ આ કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી. આવી સ્થિતિમાં, સતત ન્યાયિક કસ્ટડી ગેરકાયદેસર છે અને જીવનના અધિકારનું પણ ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલામાં આગામી સુનાવણી આગામી સોમવારે હાથ ધરશે.

તમને જણાવી દઈએ કે આરોપી મિશેલે ગયા મહિને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી. તે દરમિયાન પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. અને કથિત વચેટિયા ક્રિશ્ર્ચિયન મિશેલ જેમ્સને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) બંને દ્વારા કરવામાં આવી રહી છે. ૩,૬૦૦ કરોડનું આ કથિત કૌભાંડ અગસ્તા વેસ્ટલેન્ડથી ૧૨ વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી સાથે સંબંધિત છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું હતું કે જેમ્સની અરજી સ્વીકાર્ય નથી કે તેણે કેસોમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા ભોગવી છે તેના આધારે તેને જામીન પર છોડવામાં આવે.

જો કે, બેન્ચે કહ્યું હતું કે તે નિયમિત જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરી શકે છે. જેમ્સે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૩૬ હેઠળ જામીનની વિનંતી કરી હતી, જે જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ગુના માટે નિર્ધારિત મહત્તમ સજામાંથી અડધી સજા ભોગવે તો તેને જામીન પર મુક્ત કરી શકાય છે. એડવોકેટ અલ્જો કે જોસેફે દલીલ કરી હતી કે ૨૦૧૮ માં દુબઈથી તેના પ્રત્યાર્પણ પછી, જેમ્સ ચાર વર્ષથી વધુ જેલમાં વિતાવ્યો છે, જ્યારે તે જે ગુનાઓ માટે પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો તેના માટે નિર્ધારિત મહત્તમ સજા સાત વર્ષની છે.