એલ્વિશ યાદવની ધરપકડ,મને ખબર નથી કે આ કેવી રીતે થયું,મુનવ્વર ફારૂકી

નોઇડા, નોઈડા પોલીસે ઝેરી સાપની દાણચોરીના કેસમાં યુ ટયુબર અને બીગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.

તેની ધરપકડ બાદ ઘણા સોશિયલ મીડિયા પ્રભાવકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ જ્યારે મુનવ્વર ફારૂકીને આ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો ત્યારે તે પ્રશ્ર્ન ટાળતો જોવા મળ્યો હતો. હાલમાં મુનવ્વર મુંબઈથી દોઢ કલાક દૂર સેટ પર કલર્સ ટીવીના ‘હોલી સ્પેશિયલ’ માટે શૂટિંગ કરી રહ્યો છે.

શૂટિંગમાંથી પેક-અપ થતાં જ જ્યારે ત્યાં હાજર મીડિયાએ મુનવ્વર ફારૂકીને એલ્વિશની ધરપકડ અંગે તેમનો અભિપ્રાય પૂછ્યો, તો તેણે કહ્યું, “મને આ વિશે કોઈ જાણ નથી. (તેનો ફોન બતાવીને) મારો ફોન બંધ હતો. મારા ફોનની બેટરી સંપૂર્ણપણે ડેડ થઈ ગઈ છે. મને ખબર નથી કે આ કેવી રીતે થયું.” જ્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને ધરપકડ વિશે જાણ કરી ત્યારે પણ મુનવ્વરનો જવાબ હતો કે તે આ વિશે કંઈ જાણતો નથી અને તેથી તે તેના પર કોમેન્ટ્સ કરવાનું પસંદ કરશે નહીં.

તાજેતરમાં એલ્વિશ યાદવ અને મુનવ્વર ફારુકી, અક્ષય કુમાર, સચિન તેંડુલકર, કુણાલ ખેમુ અને અન્ય હસ્તીઓ સાથે ચેરિટી મેચમાં હાજરી આપી હતી. વાયરલ થયેલા આ સેલિબ્રિટી ચેરિટી મેચના કેટલાક વીડિયો અને ફોટામાં મુનવ્વર એલ્વિશ યાદવ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. એલ્વિશના ઘણા ફેન્સ મુનવ્વર સાથેની તેની મિત્રતાથી નારાજ હતા.

જો કે બાદમાં એલ્વિશ યાદવે તેના ફેન્સની માફી માંગી હતી અને કહ્યું હતું કે મુનવ્વર સાથેની તેની મિત્રતા કરતાં તેના ફેન્સ તેના માટે વધુ મહત્વના છે અને હવેથી તે તેની કોઈપણ હરક્તોથી તેના ફેન્સના હૃદયને ઠેસ ન પહોંચે તે માટે પૂરો પ્રયાસ કરશે.