મહિસાગર જિલ્લામાં રેશનિંગ દુકાનોમાં ખાંડ અને અનાજનો જથ્થો ખુટતા ગરીબોની હોળી બગડી

લુણાવાડા, હોળીના પર્વની નજીક મહિસાગર જિલ્લામાં સસ્તા અનાજનો ખાંડ તેમજ અનાજનો જથ્થો ખુટતા ગરીબોની હોળી બગડી છે. માર્ચ માસ અડધો વિતવા છતાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ, ચણા, બાજરી અને તુવેર દાળનો જથ્થો ગોડાઉનમમાંથી એફપીએસ સંચાલકો સુધી નહિ પહોંચતા ગરીબ પરિવારો અને સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી પાંચ વર્ષ સુધી મફત અનાજનુ વિતરણ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કરાય છે. જિલ્લામાં હોળીનો પર્વ નજીક હોવા છતાં આગોતરૂ આયોજન ન હોવાથી અનાજનો જથ્થો ગરીબ પરિવાર સુધી પહોંચી શકશે નહિ. ખાંડનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ નહિ થતાં હોળીના પર્વની ઉજવણી ખાંડ વિનાની મોળી થશે. કોન્ટ્રાકટર દ્વારા પહેલી તારીખથી મફત અનાજ પહોંચાડવાની જવાબદારી છે. તેની સામે પોતાના રૂટમાં ફાયદો થાય તે માટે અનાજનો જથ્થો દુકાનદાર સુધી પહોંચાડવામાં મોડી કરી રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા કડક પગલા ભરવા જોઈએ.

વડાપ્રધાન મોદીના ફોટાવાળી કેરી બેગનુ વિતરણ ધરે ધરે પહોંચાડવા માટે સસ્તા અનાજના દુકાનદારો ઉપર ખુબ જ પ્રેશર કરી વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગરીબ ગ્રાહક ઉંમર લાયક કે પછી બિમાર હોય તો અનાજથી દુર રહી શકે પરંતુ કેરી બેગ માટે ઓટીપી કે ઓફલાઈન વિતરણ કરાવી ધર ધર સુધી પહોંચાડવામાં આવી છે.