દાહોદ, દાહોદ જીલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ પ્રોહીના ચાર બનાવોમાં પોલીસે રૂા.1,76,332ના પ્રોહી જથ્થા સાથે ત્રણ ટુ વ્હીલર ગાડીઓ કબજે કરી ચાર બનાવોમાં પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી તેમજ ચાર ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે ચેકપોસ્ટ પર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ઠુંઠી કંકાસીયા ગામે ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટુ વ્હીલર મોપેડ ગાડી પસાર થતાં દુરથી પોલીસને જોઈ ટુ વ્હીલર મોપેડ ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોપેડ ટુ વ્હીલર ગાડી પાસેથી બીયરની કુલ બોટલો નંગ.228 કિંમત રૂા.31,932ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.56,392 નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ લીમખેડા તાલુકાના કાકરીડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.17મી માર્ચના રોજ કાકરી ડુંગરી ગામે રહેતાં દિનેશભાઈ વેસીંગ ડાંગીના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી પોલીસે દિનેશભાઈ તથા તેની સાથેનો ભુરસીગભાઈ ચુનીયાભાઈ પાંડોર (રહે. દાંતીયા, માવી ફળિયું, તા. લીમખેડા, જી.દાહોદ) નાની અટકાયત કરી મકાનની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.190 કિંમત રૂા.25,620નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી માર્ચના રોજ અંદરપુરા ગામે દુકાન ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ સુકાભાઈ બારીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ પ્રકાશભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.264 કિંમત રૂા.31,200નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ તાલુકાના નવાગામ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.16મી માર્ચના રોજ નવાગામ ચોકડી ખાતે પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટરસાઈકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યારે પોલીસને દુરથી જોઈ બંન્ને મોટરસાઈકલના ચાલકો ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંન્ને મોટરસાઈકલના ચાલકોનો ફિલ્મી ઢબે પીછો કરતાં જેમાંથી પોલીસે અમિતભાઈ તાનસીંગભાઈ ભાભોર (રહે. મોટીખરજ, ભાભોર ફળિયા, તા.જી.દાહોદ) નાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો અન્ય મોટરસાઈકલનો ચાલક અંધારાનો લાભ લઈ મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે બંન્ને મોટરસાઈકલ પરથી વિદેશી દારૂનો કુલ રૂપીયા 88,120નો પ્રોહી જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલો કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે