રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કાલાવાડ રોડ પર ચક્કાજામ કર્યો

રાજકોટ,એક તરફ શનિવારે જ લોક્સભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. બીજી તરફ રાજકોટમાં મહિલાઓએ “લોક્સભા ચૂંટણીના બહિષ્કાર”ની ચિમકી આપતા રસ્તા પર ઉતરી ! આ બહિષ્કારના કેન્દ્રમાં હતો “પાણી”નો મુદ્દો ! રાજકોટના “મોટામવા” વિસ્તારની મહિલાઓએ આજે કાલાવાડ રોડ પર પહોંચી અને ઉગ્ર આંદોલન સાથે પાણીની માગ કરી હતી. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લાં ૧૦ વર્ષથી પાણી તેમજ રોડ રસ્તાઓ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.

પાણી માટે “રણચંડી” બનેલી મહિલાઓએ કાલાવાડ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. રાજકોટના મોટામવા વિસ્તારમાં અંદાજે ૫૦ હજારથી વધુ લોકો રહે છે. મહિલાઓનો આક્ષેપ છે કે પરિવાર દીઠ મહિને ૩ થી ૫ હજાર રૂપિયાનું પાણી તેમણે વેચાતું લેવું પડે છે. પાણીની માગ સામે તંત્ર હંમેશા જ ઠાલા વચનો આપતું રહે છે.

પાણીના મુદ્દા સાથે મહિલાઓ એ હદે ઉગ્ર બની હતી કે તેમને ખસેડવા પોલીસની મદદ લેવાઈ હતી. ત્યારે મહિલા પોલીસકર્મીઓ સાથે પણ મહિલાઓની ઝપાઝપી થઈ હતી. ખૂબ જ સમજાવટ બાદ મહિલાઓએ રોડ છોડ્યો હતો. પણ તેમણે ચિમકી આપી હતી કે જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે. ત્યાં સુધી આંદોલન ચાલું રાખવામાં આવશે.