મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ પહેલા ગૌતમ ગંભીર તેમની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં પાછા ફર્યા છે. આ વર્ષે ગંભીર કેકેઆરના મેન્ટર તરીકે જોવા મળશે. તે ૭ વર્ષ બાદ પોતાની જૂની ટીમમાં પરત ફરી રહ્યા છે.ગંભીર તેના કેપ્ટન રહી ચૂકયાં છે, જેમણે કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં તેમની વાપસી ફરી એકવાર ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગંભીરને જોઈને કેકેઆરના ચાહકો બેકાબૂ થઈ જતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીર ક્યાંકથી આવી રહ્યાં છે અને ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે. ગંભીરને જોતાની સાથે જ ચાહકો જી-જી બોલવા લાગે છે, જે તેમના નામનું ટૂંકું સ્વરૂપ છે. આ દરમિયાન કેટલાક ચાહકો પોસ્ટર સાથે પણ જોવા મળ્યા હતા.આ દરમિયાન ગંભીરે મીડિયા સાથે પણ વાત કરી હતી. પરંતુ ચાહકો તેના નામના નારા લગાવતા રહ્યા. ચાહકોએ ગંભીરને ચારે બાજુથી ઘેરી લીધા હતો.
ગંભીર અગાઉ લખનૌ સુપર જાયન્ટસ સાથે હાજર હતા. તે છેલ્લા બે વર્ષથી (૨૦૨૨ અને ૨૦૨૩) લખનૌ સુપર જાયન્ટસના મેન્ટર હતા. બંને સિઝનમાં ગંભીરના માર્ગદર્શન હેઠળ લખનૌ પ્લેઓફમાં પહોંચ્યું હતું. પરંતુ હવે ૨૦૨૪ આઇપીએલ પહેલા, તે મેન્ટર તરીકે તેની જૂની ફ્રેન્ચાઇઝી કેકેઆરમાં પાછા ફર્યા છે.
ગંભીર તેમની આઇપીએલ કરિયરમાં કેકેઆર અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા હતા. તેમણે ૨૦૧૧ અને ૨૦૧૭ વચ્ચે કેકેઆર માટે ૧૦૮ મેચ રમી, ૩૧.૬૧ની એવરેજ અને ૧૨૪.૨૮ની સ્ટ્રાઈક રેટથી ૩૦૩૫ રન બનાવ્યા. હવે ૨૦૧૭ બાદ તે ૨૦૨૪માં કોલકાતા પરત ફર્યા છે.-