જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ઈકો કાર નીચે ત્રણ યુવકોને કચડનાર ડ્રાઈવરે ડરના માર્યે મોત વ્હાલું કર્યું

જૂનાગઢ, જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ઈકો કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં એક ઈકો કાર બાઈકને ફંગોળીને નીકળી ગઈ હતી. ત્યારે આ ઘટનાના આરોપી વાન ચાલકે આપઘાત કર્યો છે. તેમજ ડરના માર્યે ઈકો કારના ચાલકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાથે જ આ અકસ્માતના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે.

બાટવાના પાજોદ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાતે એક ઈકો કારે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ત્યારે ત્રણેય યુવકો નીચે પટકાયા હતા. આમ, ત્રણ જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં માતમ છવાયો છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ અકસ્માતના અપડેટ સામે આવ્યા છે. ઈકો વાન ચાલકે બાઈક સવારને હડફેટે લેતા ત્રણ મિત્રોના મૃત્યુ થયા હતા તે વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. ત્યારે આ ચર્ચા થતા અકસ્માત સર્જનાર ઈકો વાન ચાલકે આપઘાત કરી લીધો છે. ઈકો ચાર ૨૭ વર્ષીય નાથા દાસા કોડિયાતર નામનો યુવક ચલાવી રહ્યો હતો. ત્યારે ડરના માર્યે નાથા કોડીયાતર નામના ઈકો વાન ચાલકે દેવડા ગામે પોતાની બહેનના ઘરે આપઘાત કર્યો છે.

તો બીજી તરફ, ત્રણ યુવાનોના મોતનો વીડિયો પણ સામે આવ્યો છે. ઈકો કારની પાછળ આવી રહેલી એક કારના ચાલકો અંદરથી વીડિયો બનાવી રહ્યા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. જેમાં ત્રણ યુવકો જખ્મી હાલતમાં નીચે પડ્યા હોવાનું અને દૂર ઈકો કાર ઉભી હોવાનું સ્પષ્ટ દેખાય છે.