રાજકોટ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થઇ છે ત્યારે ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. આજે શહેરમા આર્મીના જવાનોની ફલેગમાર્ચ યોજવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેર થવાના સંકેત આવતાની સાથે જ ચૂસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. ચૂંટણીલક્ષી કોઈ પણ અઇચ્છનીય ઘટના ન બને તેને લઈને આજે સુરક્ષા એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરના જિલ્લા પંચાયત ચોકથી આર્મીના જવાનોની ફલેગમાર્ચ યોજાયો હતો. આ ફલેગમાર્ચ રેસકોર્સ રિંગ રોડ પર નીકળ્યો હતો. ફલેગમાર્ચ યોજાતા રસ્તા પર નીકળતા વાહનચાલકોને થોડીવાર ઉભા રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા રાજકોટમાં ચૂંટણીને લઈને રાજકીયા પાર્ટીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે.
ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં તૈયારીને લઈને દોડધામ મચી જશે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આથી ત્રિ-પાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપમાંથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમા ગુજરાતના પ્રવાસ વયા છે. રાજકોટ જિલ્લામાં ૧૧ દિવસમાં જ નરેન્દ્ર મોદીએ બે વખત પ્રવાસ કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ખુદ સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં એકવાર રાજકોટ આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબી દુર્ઘટનાને લઈને રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું.
અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ગઈકાલે ગઢડાના એસ.પી. સ્વામીએ વિધાનસભાની ચૂંટણીમાં ૧૦ સંતોને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે.
દ્વારિકા પીઠના સંત સૂર્યાચાર્યએ જણાવ્યું હતું કે, અમે ઘણી ધર્મસભામાં ઘણું કહ્યું છે. રાજ સત્તા સાથે ધર્મ સભા સ્વીકાર કરો. જો ટિકિટ ન મળે તો અમારા વિશ્ર્વ સંતો મંડળ ભેગા થશે. અમે અમિત શાહને પણ મળ્યા છીએ. ૧૮૨ સીટ પર અમે લડી શકીએ તેમ છીએ. જો ટિકિટ નહીં મળે તો અમે ૨૦૨૪માં દેખાડી દઈશું. જો અમને ટિકિટ નહીં મળે તો આવનાર ચૂંટણીમાં સત્તા પક્ષને ખૂબ જ મોટું નુક્સાન પણ થઈ શકે એમ છે. કારણ કે સાધુ સંતની તમામ બેઠક પર પકડ છે. આ સંમેલનમાં સંતોની સૌથી મોટી માંગણી ૧૦ ટિકિટ મળે છે ત્યારે સૌથી મોટો સવાલ એ થયો છે કે આવનાર ચૂંટણીમાં ભાજપ તરફથી સંતોને ટિકિટ આપવામાં આવશે કે કેમ!