મુંબઇ,\ આઇપીએલ ૨૦૨૪ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૨૨ માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈ સિઝનમાં તેનું પાંચમું આઈપીએલ ટાઈટલ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી હતી.આઇપીએલના ઈતિહાસમાં પાંચ વખત ટ્રોફી જીતનારી આ બે ટીમો છે. એમએસ ધોનીના ચાહકો માટે આ સીઝન ખૂબ જ ભાવુક રહેવાની છે કારણ કે આ સીએસકે કેપ્ટનની છેલ્લી સીઝન હોઈ શકે છે. જોકે, ઈરફાન પઠાણનું માનવું છે કે એમએસ ધોની માટે આ સિઝન મુશ્કેલ રહેવાની છે.
ઈરફાન પઠાણના મતે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આગામી સિઝનમાં છઠ્ઠીવાર ટાઇટલને જીતવા ઉતરશે ત્યારે તેની સામે અનેક પડકારો હશે. પઠાણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે દીપક ચહર ઈજામાંથી પરત ફરી રહ્યો છે અને મથિશા પથિરાનાનું ફોર્મ સારું નથી. ડેવોન કોનવે પણ ઘાયલ છે. પઠાણે કહ્યું કે મુખ્ય ખેલાડીઓની ઈજા મેનેજમેન્ટ અને કેપ્ટન માટે પડકારને મુશ્કેલ બનાવે છે. જો કે સાથે ઇરફાને એમ પણ કહ્યું કે આપણે જાણીએ છીએ કે ધોની માસ્ટરમાઇન્ડ છે, તે દર વર્ષની જેમ કંઈક કરશે અને મેનેજ કરશે.
દરમિયાન, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે એમએસ ધોનીની પ્રશંસા કરી અને ખેલાડીઓ પાસે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા બદલ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું, જે પણ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ધોની પાસે જાય છે તેનું પ્રદર્શન આપોઆપ સુધરી જાય છે. મોહમ્મદ કેફે કહ્યું કે તમે તુષાર દેશપાંડે, અજિંક્ય રહાણેના પ્રદર્શન વિશે વાત કરી શકો, ખાસ કરીને ફાઇનલમાં. હું કહી શકું છું કે આ એવા ખેલાડીઓ છે જેમનો આઈપીએલમાં સારો રેકોર્ડ નથી પરંતુ જ્યારે તેઓ ધોનીના નેતૃત્વમાં અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં પરફોર્મ કરે છે ત્યારે તેમને જોઈને મને આશ્ર્ચર્ય થાય છે.