નવીદિલ્હી, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં વર્ષ-૨૦૦૨ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી ફરહતુલ્લા ઘોરીના નવા વીડિયોએ આઈબી સહિતની એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે.
આતંકવાદીનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં તે ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત કરતો જોવા મળે છે. અક્ષરધામ સહિત અનેક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઘોરીના પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધો હતા.
ફરહતુલ્લાહ ઘોરી, વોન્ટેડ આતંકવાદી જે ભારતીય એજન્સીઓના રડાર પર છે અને વર્ષ-૨૦૦૨માં ગુજરાતના અક્ષરધામ મંદિર પરના હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તેને ૨૦૨૦માં ભારતનો ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ફરહતુલ્લા ઘોરીએ વર્ષ-૨૦૦૨માં અક્ષરધામ મંદિર પર ભારતમાં પહેલો હુમલો કરાવ્યો હતો. તે ગુજરાત પોલીસ અને હૈદરાબાદ પોલીસને વોન્ટેડ છે. આ સિવાય ઘોરીનું નામ દિલ્હી પોલીસની આતંકી ફાઈલોમાં પણ નોંધાયેલું છે.
૨૨ વર્ષ બાદ આતંકી ફરહતુલ્લા ઘોરી ભારત વિરુદ્ધ યુદ્ધની હિમાયત કરતો વીડિયો બહાર પાડીને ફરી સામે આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે ઘોરી ઈસ્લામિક સ્ટેટના ભરતી કરનાર તરીકે આઇએસઆઇએસ પ્રેરિત મોડ્યુલ પાછળ હતો. તાજેતરના ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ભારતમાં ઘણા આતંકવાદી કાવતરાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ફરહતુલ્લા ઘોરી આ કામગીરીમાં મુખ્ય વ્યક્તિ તરીકે ઉભરી રહ્યો છે. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘોરીની ઓળખ આમાંથી ઘણા મોડ્યૂલના હેન્ડલર તરીકે કરવામાં આવી છે. ઘોરીની સંડોવણી, જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ૨૦૨૦માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા વ્યક્તિગત આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ આતંકી ઘોરી લાહોરથી છૂપી રીતે સમગ્ર ટેરર મોડયૂલનું સંચાલન કરતો હતો. પાકિસ્તાન વારંવાર દાવો કરે છે કે આવી વ્યક્તિઓ પાકિસ્તાની નાગરિકો નથી પરંતુ ભારતના રહેવાસી છે, આમ અવળચંડુ પાકિસ્તાન કોઈપણ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.
ઘોરી ઈસ્લામિક સ્ટેટથી પ્રેરિત આતંકી મોડ્યૂલ ચલાવતો હતો. જેનો ખુલાસો ગયા વર્ષે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કર્યો હતો. તે આઇએસ માટે ભરતી કરનાર તરીકે કામ કરતો હતો. ફરહતુલ્લા ઘોરીને અબુ સુફીયાન, સરદાર સાહેબ અને ફારૂક તરીકે પણ ઓળખવામાં આવે છે.