કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા વિરૂદ્ધ જાતીય સતામણીનો કેસ, પોસ્કો અંતર્ગત એફઆઇઆર દાખલ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની ૧૭ વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીર બાળકીની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. ફરિયાદ મુજબ કથિત જાતીય સતામણી ૨ ફેબ્રુઆરીએ થઈ હતી જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.

બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા ૫૩ કેસોની યાદી જાહેર કરવામાં આવી છે, જે ફરિયાદર્ક્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે, ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.

યેદિયુરપ્પા ૨૦૦૮ અને ૨૦૧૧માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે ૨૦૧૮માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી. અઠવાડિયાની અટકળો અને અનિશ્ચિતતા પછી તેમણે ૨૦૨૧ માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે, રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્ર્વાસ ઉઠી ગયો છે.

યેદિયુરપ્પા બાદ ભાજપના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના ૨૩મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ ૨૦૨૧ થી મે ૨૦૨૩ સુધી આ પોસ્ટ પર કામ કર્યું. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.